મેઘરાજાએ આજે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના પંથકોમાં તેમની મહેર ચાલુ રાખી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉના, રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, ગીર-સોમનાથ સહિતના પંથકોમાં ભારે અને ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઉનાના ખાપટ ગામે તો માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો, ગીર ગઢડામાં પણ બે ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, વિરમગામ, ધોળકા સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર ચાલુ રહેતાં વાતાવરણમાં ભારે ઠંડક છવાઇ ગઇ હતી. તો, ગીરના જંગલ વિસ્તારમાં તોફાની અને ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળામાં પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યા હતા. બીજીબાજુ, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સહિતના પંથકોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર તો, ધોળકા પંથકમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, ગીર-સોમનાથ સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને અમરેલીના સાવરકુંડલા, લીલીયા પંથક સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. તો બાબરા પંથકમાં પણ લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાનું આગમન થયું હતું. તો, ખાંભામાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો, ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે પાણી જ પાણી કરી નાંખ્યું હતું. તો, પ્રાસલી, ગાંગેથા, પ્રાચી, લોઢવા, પાંસનાવડા, ધામલેજ, સિંગસર સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો હતો. ગીર-સોમનાથના કોડીનારના ઘાટવડ, નગડલા, જામવળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ ધોધમાર વરસાદ પડતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. ગીર-સોમનાથના કોડિનાર, વેરાવળ, ભેટાળી, ગીર જંગલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતાં સ્થાનિક નદી-નાળામાં વરસાદી પૂર આવ્યા હતા. અમરેલીના ધારી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ સ્થાનિક નદીમાં પૂર આવ્યા હતા. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સાબરકાંઠા પોશીના, હિમંતનગર સહિતના પંથકોમાં ભારે વરસાદ થયો હતો. મોડાસા, શામળાજી, અરવલ્લી સહિતના પંથકોમાં મેઘમહેર જારી રહી હતી.