ભારતીય ઓપનર શિખર ધવને દક્ષિણ આફ્રિકા સામેની બેંગ્લુરુ ખાતેની ત્રીજી ટી-૨૦ પહેલા મીડિયા સાથે વાત કરી હતી. ધવને કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા યુવા ખેલાડીઓને ટીમમાં પોતાનું સ્થાન સિમેન્ટ કરવા માટે પૂરતી તક આપશે. કપ્તાન વિરાટ કોહલીએ તાજેતરમાં કહ્યું હતું કે, યુવા ખેલાડીઓને ચારથી પાંચ તકમાં પોતાને સાબિત કરવા પડશે. ધવને આ અંગે કહ્યું કે, યુવા ખેલાડીઓને પૂરતી તક આપવી જરૂરી છે. જયારે નવો ખેલાડી ટીમમાં આવે છે તો તેમને ટીમના વાતાવરણમાં સેટ થતા સમય લાગે છે. મને ખાતરી છે કે તેઓ મળેલી તક ચૂકશે નહીં, તેમજ ટીમ મેનેજમેન્ટ તેમને પોતાની પ્રતિભા સાબિત કરવા યોગ્ય સમય આપશે.
ટીમના સીનિયર યુવા ખેલાડીઓને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. કોઈ પણ યંગસ્ટર ગમે ત્યારે અમારી સાથે આવીને કોઈ પણ બાબતે ચર્ચા કરી શકે છે. અમે ધ્યાન રાખીએ છીએ કે ઋષભ પંત અને શ્રેયસ ઐયર કમ્ફર્ટેબલ રહે. અમે તેમની સાથે કમ્યુનિકેશન કરીએ છીએ, તેમજ તેમને જણાવીએ છીએ કે અત્યારે તેમની પાસેથી ટીમને અપેક્ષા શું છે અને તેમને શું કરવું જોઈએ. અમે ધ્યાન રાખીએ છીએ કે તેઓ નર્વસ થયા વગર પોતાની નેચરલ ગેમ રમે.