પીપલોદ ખાતે આવેલા ફેમિલી સ્પામાં આગ લાગતાં ભાગદોડ મચી જવા પામી હતી. બીજા માળે આવેલા ફિલ ગૂડ ફેમિલી સ્પામાં આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં. જગ્યા સાંકડી હોવાના કારણે ફાયરના જવાનોએ માસ્ક પહેરીને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. પીપલોદમાં લેક વ્યૂ એપાર્ટમેન્ટની સામે બીજા માળ ઉપર પતારના શેડમાં સ્પા ચાલતું હતું. આગ લાગ્યા બાદ સ્પાના માલિક અને ગ્રાહકો પાછળના દરવાજેથી નીકળી ગયા હતા. જેથી કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી. સ્પામાં કોઈ જ પ્રકારની ફાયર સેફ્ટી ન હોવાનું ફાયરબ્રિગેડના ધ્યાનમાં આવ્યું હતું.સ્પા વિરૂધ્ધ અગાઉ ૨૪-૬-૨૦૧૯ના રોજ લેખિતમાં પાલિકામાં નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. શેડમાં સ્પા ચાલતું હોય તેમાંથી પાણી પડવાની સાથે જોખમી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અરજીમાં લખાયું હતુંકે ઓનલાઈન ફરિયાદ બાદ કોઈ કામગીરી ન થતાં આ અરજી કરવામાં આવે છે. જો કે અરજી બાદ પણ કોઈ જ કાર્યવાહી થઈ નહોતી.