આનંદનગરમાં બર્થ-ડે પાર્ટીમાં છાકટા બનેલા યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું

420

આનંદનગર વિસ્તારમાં બર્થ ડે પાર્ટી છાકટા બનેલા અજાણ્યા યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. વિનસ એટલાન્ટિસ કોમ્પ્લેકસના પાર્કિંગમાં અલ્ટો કારમાં આવેલા યુવાનોએ બર્થ ડે પાર્ટીને લઈ હવામાં ફાયરિંગ કર્યુ હતું. આનંદનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કોમ્પ્લેક્સના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

શહેરમાં બર્થ ડે પાર્ટી ઉજવવા માટે હવે યુવાનો તલવાર અને રિવોલ્વર જેવા હથિયારનો પણ ઉપયોગ કરતાં થયા છે. થોડા દિવસ પહેલા નિકોલમાં એક યુવાને તલવાર વડે કેક કટિંગ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જો કે, આ યુવાનનો વીડિયો વાઈરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી અને યુવાન સામે ગુનો દાખલ કઈ તેમની ધરપકડ કરી હતી. હવે આનંદનગરમાં આવેલા વિનસ એટલાન્ટિસ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મોડી રાત્રે કેટલાક યુવકોએ છાકટા બની હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગને લઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને યુવકો ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પોલીસે ઘટનાસ્થળ પર જઇ તપાસ કરતા પોલીસને એક અલ્ટો કાર પણ મળી આવી હતી. જેમાંથી એક રિવોલ્વર મળી હતી જે પોલીસે કબજે કરી છે. આનંદનગર પોલીસે કાર નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપુત્રની સારવાર માટે બચાવેલા રૂપિયા તસ્કરો ચોરી કરી ફરાર
Next articleરાજકોટમાં પોલીસની મહેફિલ : દારૂની તપાસ માટે ૧૫ કલાક પછી લેવાયા બ્લડ સેમ્પલ