ઘોઘાના મોરચંદ ગામે આશાવર્કર તરીકે ફરજરત એક મહિલાએ પતિ-પુત્રી સાથે જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગમાં પરિવાર સાથે આપઘાતની કોશિષ કરતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ઘોઘા તાલુકાના પડવા ગામે રહેતા અને મોરચંદ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા લીલાબેન દાનજીભાઈ ઉ.વ.૪૧ને તેના ફરજ સ્થળે મેડીકલ ઓફિસર શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યો હોવાની ફરિયાદ અવારનવાર જવાબદાર તંત્રને કરી હતી. આમ છતાં આ અંગે કોઈ પગલા અધિકારી ન લઈ રહ્યાં હોવાનો દાવો કર્યો છે. આ ત્રાસથી કંટાળેલ મહિલા કર્મી તેના પતિ તથા પુત્રી સાથે જિ.પં.ના આરોગ્ય વિભાગમાં પહોંચી દેકારો મચાવ્યો હતો અને ખેલ પાડી માથા દિવાલ સાથે અફળાવ્યા હતા.
મહિલાના પતિએ કેરોસીન છાંટ્યું હતું. જ્યારે પુત્રીએ કચેરીમાં તમામ લોકોની હાજરીમાં દુપટ્ટા વડે ફાંસો ખાવાની કોશિષ કરતા દેકારો મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ ડીવાયએસપી મનિષ ઠાકર તથા ટીમને થતા તમામ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિવારને અટકમાં લઈ આગળની કાર્યવાહી ધરી હતી. આ બનાવને પગલે જિલ્લા પંચાયત કચેરીમાં ભારે નાસભાગ સાથે ચક્ચાર મચી જવા પામી હતી.