ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં ફટકાડા બનાવતી એક ફેક્ટ્રીમાં થયેલા બ્લાસ્ટમાં ૬ લોકોના મોત થઇ ગયા છે. મળેલી માહિતી મુજબ બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવ મિરેહચી વિસ્તારમાં બન્યો હતો. જો કે, અકસ્માતોનો કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. બ્લાસ્ટ અંગે માહિતી મળતા પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને અધિકારીઓની ટીમે જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, ૬ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ પંજાબના બટાલામાં એક ફટકાડા ફેક્ટ્રીમાં થયેલા બ્લાસ્ટમાં ૨૩ લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે બટાલા પ્રકરણની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ કર્યા હતા. સાથે સાથે મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા અને ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને ૫૦-૫૦ હજાર આપવાની પણ જાહેરાત કરી હતી. અન્ય ઘાયલોને ૨૫-૨૫ હજારના વળતરની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં ફટકડા બનાવતી ફેક્ટ્રીમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ઇમારત ધરાશાયી થઇ હતી.
રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસ અને અધિકારીઓ જેસીબીની મદદથી કાટમાળ હટાવવા માટે તરત જ રેસ્કુય ઓપરેશન હાથ ધર્યું હતું.