કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે ગુજરાતના લોથલ ખાતે આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવાની ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે જાહેરાત કરી હતી. માંડવીયાએ જણાવ્યું હતું કે, લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું. મેરિટાઇમ ક્ષેત્ર ભારત માટે નવું ન હોવાથી તેનો ઇતિહાસ દેશ-દુનિયા સામે મૂકવા લોથલમાં અંદાજે ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ કોમ્પલેક્સ તૈયાર કરાશે. જેમાં મેરિટાઈમ ઇતિહાસ, સંબંધિત રેપ્લિકાઓ, તેની સાથે સંકળાયેલા પુરાવાઓ, મેરિટાઇમ સંશોધનો અને સંસાધનો દર્શાવાશે. કેન્દ્રીય મંત્રી આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સહિત ભારત અને વિશ્વમાં બંદર અને સહાયક ક્ષેત્રે ઉભરતી તકો અને પડકારો વિષય પર આયોજિત સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે મેરિટાઇમ પાર્ક ઉભુ કરવાની જાહેરાત જણાવ્યું હતું કે. ગુજરાતમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગનો ઉદ્યોગ વિકસેલો છે, ગુજરાતમાં મહત્વના બંદરો આવેલા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે આ પ્રકારનું મેરિટાઇમ પાર્ક ઊભું કરવાથી મેરિટાઇમ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. મેરિટાઈમ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પરિવહન ખર્ચ ૧૪ ટકા છે, જ્યારે વિશ્વમાં સરેરાશ ૯ ટકા છે. ભારતે જો સ્પર્ધામાં ટકી રહેવું હોય તો પરિવહન ખર્ચ ઓછો કરવો આવશ્યક બની જાય છે. ભારતમાં એક ટન માલ એક કિલોમીટર સુધી પરિવહન કરવા માટે માર્ગ પરિવહનમાં ત્રણ રૂપિયા, રેલવે પરિવહનમાં બે રૂપિયા અને જળપરિવહનમાં ૯૦ પૈસાનો ખર્ચ લાગે છે. આથી જો માલ પરિવહનનો ખર્ચ ઘટાડવો હોય તો જળ પરિવહન વ્યવસ્થા વિકસાવી અને અપનાવવી ખૂબ જરૂરી છે.