કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીની તારીખ અંગેની મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાતમાં તા.૨૧ ઓક્ટોબરે ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે. જ્યારે આ ચૂંટણીઓનું પરિણામ તા.૨૪મી ઓકટોબરે પરિણામ જાહેર થશે. આ ચારેય બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી ૩૦ સપ્ટેમ્બર છે જ્યારે તા.૩ ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. આ બેઠકોમાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકો પર જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો તે ત્રણ બેઠકોની પેટાચૂંટણીની તારીખો હજુ સુધી આજે જાહેર કરવામાં આવી નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ૨૬ સાંસદોમાંથી ચાર ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા ૨૦૧૯માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ સાંસદ બનતા હસમુખ પટેલે અમરાઈવાડી બેઠક પરથી અને ભરતસિંહ ડાભીએ ખેરાલુ બેઠક પરથી જ્યારે થરાદ બેઠક પરથી પરબત પટેલે રાજીનામાં આપ્યા હતા. પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી શંકર ચૌધરી લગભગ નિશ્ચિત છે. જો કે, પ્રદેશ ભાજપ અને સરકારમાં કેટલાક નેતાઓ તેમની રિટર્ન એન્ટ્રી સામે આડા ઉતરે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલને થરાદથી વિધાનસભામાં એન્ટ્રી મળે તો નવાઈ નહી. કોઈ પણ પાર્ટી હોય પણ ખેરાળુમાં સાડા ત્રણ દાયકાથી પૂર્વ મંત્રી સ્વ. શંકરજી ઓખાજીના કુટુંબનો અહીં દબદબો કાયમ છે. પાટણ લોકસભા માટે કોઈ સ્થાનિક નેતા તૈયાર ન થતા ભાજપે શંકરજીના પુત્ર ભરતસિંહને ઉતાર્યા હતા. આથી, પરીવારમાંથી કોઈકને ટિકિટ આપવા દાવો થઈ રહ્યો છે. જો કે, ફરીથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈ પણ સ્પર્ધામાં છે. હસમુખ પટેલના રાજીનામાથી ખાલી પડેલી અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રમાં ગલીએ ગલીએ ભાજપની ટિકિટ માટે દાવેદારો ફૂટી નીકળ્યા છે. પેટાચૂંટણી તો દૂર રહી પણ લોકસભા ચૂંટણીમાં પટેલનું નામ જાહેર થયું ત્યારથી જ ઉત્તરાધિકારી થવા ભાજપના ગ્રુપોમાં ૩૦ દાવેદારોના નામો ફરતા થયા હતા. જે વધીને હવે ૪૦ થયા છે. મૂળ કોંગ્રેસી રતનસિંહ હવે ભાજપના સાંસદ છે. અપક્ષ ધારાસભ્યપદેથી ખાલી થયેલી બેઠક પર ભાજપમાંથી હારેલા મનુ પટેલ, મહિસાગર જિલ્લા પ્રમુખ જયપ્રકાશ પટેલના નામો ચર્ચામાં છે. ગોધરાકાંડમાં સરકાર સામેની પિટિશનને હાઈકોર્ટમાં પડકારનાર પૂર્વ ધારાસભ્ય કાળુ માળીવાડ પણ હવે વિધાનસભામાંથી ૧૫ વર્ષનો વનવાસ પુરો થશે તેવી આશા રાખે છે. આમ, વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર થતાં ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.