શહેરની ફરતે આવેલા રિંગરોડ પર ભાડજ સર્કલ પાસે વહેલી પરોઢે પૂરઝડપે એક ફોક્સવેગન કાર કપચી ભરેલી હેવી ટ્રકમાં ઘૂસી જતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અને અચાનક જ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં કારમાં બેઠેલા પાંચ યુવાનો પૈકી ત્રણ યુવાનો આગમાં ભડથુ થઇ ગયા હતા, જયારે અન્ય બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા, તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અકસ્માત બાદ કારમાં લાગેલી આગમાં ભડથુ થઇ ગયેલા ત્રણ યુવકોમાં રાજયના મહેસૂલપ્રધાન કૌશિક પટેલના વેવાઇના પુત્ર ધૈર્ય પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજા રાહુલ બારડ અને અન્ય યુવક રોમીલ પટવાનો સમાવેશ થાય છે. બીજીબાજુ, અક્સ્માતને પગલે કારમાં લાગેલી આગ અને તેમાં યુવકો કેવી રીતે ભડથું થઇ ગયા તે વાતને લઇ અનેક સવાલો અને તર્કવિતર્કો સાથે આશ્ચર્ય સર્જાયું છે. ખુદ પોલીસ પણ ગંભીરતાપૂર્વક સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આ માટે ખાસ એફએસએલની મદદ પણ લેવાઇ છે. અકસ્માતમાં કારમાં લાગેલી આગમાં ત્રણ યુવકો ભડથુ થઇ ગયાના સમાચારને પગલે શહેર સહિત રાજયભરમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, વૈષ્ણોદેવી સર્કલથી ભાડજ સર્કલ તરફના રિંગરોડ પર પૂરપાટઝડપે ફોક્સવેગન કાર આવી રહી હતી ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યે બેબીલોન કલબ પાસે કપચી ભરેલી એક ટ્રક સાથે કાર જોરદાર ધડાકા સાથે અથડાઇ હતી. કાર અથડાવાની સાથે જ અચાનક તેમાં એકાએક જોરદાર આગ ફાટી નીકળી હતી. બીજીબાજુ, કારનું સેન્ટ્રલ લોક પણ જામ થઇ ગયુ હતું. કારમાં લાગેલી આગમાં અંદર બેઠેલા પાંચેય યુવકો આગની જવાળાઓમાં લપટાઇ ગયા હતા. જેમાં રાજયના મહેસૂલપ્રધાન કૌશિક પટેલના વેવાઇના પુત્ર ધૈર્ય પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજા રાહુલ બારડ અને અન્ય યુવક રોમીલ પટવા બળીને ભડથુ થઇ ગયા હતા, જયારે અન્ય યુવકો મોહનસિંહ અને પાર્થ ગંભીર રીતે દાઝી ગયા હતા. અક્સ્માતને પગલે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડુ થઇ ચૂકયુ હતું. ત્રણ યુવકો તો કારમાં લાગેલી આગમાં જ ભડથુ થઇ ગયા હતા. જો કે, દાઝી ગયેલા બે યુવકોને તાત્કાલિક ૧૦૮ બોલાવી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજીબાજુ, અકસ્માત બાદ કારમાં લાગેલી આગમાં ત્રણ યુવકો ભડથું થઇ ગયાના સમાચાર જાણી સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. મૃતક યુવકો પૈકી બે યુવકો તો રાજકીય પક્ષ સાથે જોડાયેલા મોટા નેતાઓના પરિવાર સાથે જોડાયેલા હોવાથી રાજકીય વર્તુળમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન આ સમગ્ર બનાવ અંગે ટ્રાફિક એ ડિવીઝન પોલીસે જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હોઇ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ સમગ્ર અકસ્માતમાં સૌથી ચર્ચા જગાવી હોય અને અનેક સવાલો ઉભા કર્યા હોય તો, કારમાં લાગેલી આગને લઇ સર્જાયા છે કારણ કે, કારમાં આગ લાગી કેવી રીતે અને આગ લાગી તો, યુવકો કારમાંથી બહાર કેમ નીકળી ના શકયા? દુર્ઘટના બાદ યુવકો એટલી ગંભીર ઇજા અને ભાન ગુમાવી ચૂકયા હતા કે આગમાં ભડથુ થઇ ગયા ત્યાં સુધી કારમાંથી બહાર નીકળી ના શકયા? સહિતના અનેક સવાલો અને વાતો રહસ્યમય બની રહી છે. ખુદ પોલીસ પણ ભારે આશ્ચર્ય સાથે મૂંઝવણમાં મૂકાઇ છે, તેથી આ સમગ્ર મામલામાં એફએસએલની મદદ લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.