અંગ્રેજી સામયિક ‘ટુક’ માં શ્રીમતી મોન્ટી કોંકિનનો એક લેખ પ્રગટ થયેલો તેમાં તેઓએ લખ્યું છે – ‘જે માણસ હંમેશા પ્રસન્નચિત્ત રહે છે તે આધ્યાત્મિક દૃષ્ટિથી વધુ પરિપક્વ હોય છે પોતાના પ્રત્યેક કદમ અંગે તે શ્રદ્ધાવાન હોય છે. તેમનું મધુર સ્મિત તેમને મળવા આવનાર વ્યક્તિ પર જાદુઈ અસર કરે છે.
પ્રસન્ન મન તથા સમતોલ સ્વભાવવાળી વ્યક્તિને પોતાનું ડગ પાછું ભરવાનો પ્રસંગ જ નથી આવતો, કેમ કે તેઓ તો જાતે જ જીવનના આનંદની ખોજમાં વ્યસ્ત હોય છે અને તેઓ ઉત્કટપણે ઇચ્છતી હોય છે કે અન્ય વ્યક્તિઓ પણ તેમને અનુસરે, અને દિવ્ય આનંદના ભાગી થાય.
નિશ્ચિત રૂપથી તેમને એકાંતમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો અવસર મળે છે, પણ જ્યારે તેમના ધ્યાનનો સમય પૂરો થઈ જાય છે ત્યારે તે ભગવાનને એક ખૂણામાં ધૂપદાનીની રાખ પાસે છોડી દેતાં નથી પણ સમાજમાં પોતાના વ્યવહારમાં સદાયે તેમને પોતાની સાથે રાખે છે. જે ભગવાનને દૂર કરતા નથી, તેનો આનંદ પણ ક્યારેય દૂર થતો નથી.’
હા, ભગવાન અનંત આનંદના નિધિ છે, ભગવાનનો આનંદ સહજ અને સ્વતઃ સિદ્ધ છે. આ આનંદ કોઈના આધારે નથી. એમાં ક્યારેય વધઘટ થતી નથી. જેટલું કાંઈ પૃથ્વીમાં આનંદ જેવું લાગે છે તે બધું ભગવાનના આનંદનો લેશ પણ નથી. તો આ આનંદની અનુભૂતિ થાય ખરી? હા, યોગીઓ અને ઋષિમુનિઓએ ભક્તિ અને સાધના કરીને ભગવાનના આનંદની અનુભૂતિ કરી છે.
જ્યારે આઠે પહોર આનંદના સમુદ્રમાં નિમગ્ન રહેતા કોઈ ભક્તને જોઈએ ત્યારે એમ ચોક્કસ કહી શકાય કે તેઓ આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવી રહ્યા છે. અધ્યાત્મજ્ઞાન જીવનમાં કેટલું ઊંતર્યું છે તેની માપણી પણ આનંદથી થાય છે. કેમ કે, જે પૂર્ણ આધ્યાત્મિક છે તેને ક્યારેય દુઃખ કે વિષાદની ક્ષણો હોતી નથી. એમની ચમકતી આંખો, હસતો અને પ્રેમાળ ચહેરો હજારો ઉપદેશોની સરખામણીમાં આધ્યાત્મિક તથ્યનું કંઈક વધુ સ્પષ્ટતાપૂર્વક વિવરણ કરે છે. આવા દિવ્ય વિવરણનો પ્રભાવ જોઈએ.
૧૯૫૭માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. એક દિવસે સોજીત્રાના મગનભાઈ શંકરભાઈ પટેલ યોગીજી મહારાજના પ્રથમ દર્શને આવેલા. તેઓ મહર્ષિ અરવિંદના પ્રખર અનુયાયી અને રમણ મહર્ષિ, સ્વામી શિવાનંદજી તથા યોગી કૃષ્ણપ્રેમના સંસર્ગમાં પણ બહુ રહેલા.
આજનો દિવસ તેમના માટે વિશિષ્ટ હતો. તેઓ સ્વામીશ્રીનાં દર્શનથી, એમની આનંદમય મૂર્તિમાં ખોવાતા ગયા. આ દિવ્ય અનુભૂતિને તેઓ વર્ણવતાં કહે છે- ‘‘ખરા જોગી તો યોગીજી મહારાજ છે. એમની પાસે આનંદ છે. પ્રકાશ છે, અને બીજાને પણ આનંદ અને પ્રકાશ આપી શકે છે.’’ અંતે તેઓ ગદ્ગદ્ થતાં બોલી ઊઠ્યા, ‘‘આજે ભગવાનના સાંનિધ્યનો આનંદ શું હોય તેની ઝાંખી થઈ.’’
હા, આ કોઈ એક વ્યક્તિની અનુભૂતિ નથી. સત્પુરુષની આ આનંદ સરિતામાંથી આચમન કરનાર દરેક વ્યક્તિ પછી તે ગમે તે હોય, ગમે તે નાતની હોય, ગમે તે દેશની હોય, તેને આ અનુભવ થયા વગર રહેતો નથી. કારણ કે આનંદ એ આત્માનો મુખ્ય ગુણ છે અને બ્રહ્મસ્વરૂપ સંત પાસેથી આપણામાં આવી શકે છે.
તૈત્તિરીય ઉપનિષદમાં આખું પ્રકરણ આનંદમીમાંસા તરીકે પ્રસિદ્ધ છે. આમાં સામાન્ય મનુષ્યના સુખથી માંડીને દેવતા, ઈન્દ્ર, બૃહસ્પતિ, બ્રહ્મા આ બધાનાં સુખ કરતાં અક્ષરબ્રહ્મનું સુખ અધિક છે. તેની વાત કરી છે. અક્ષરબ્રહ્મના કારણ, આધાર અને પ્રેરક એવા પરબ્રહ્મનાં સુખની તો વાત જ શી કરવી ! સમગ્ર વિશ્વમાં પરમાત્માના સુખના એક અંશથી આવેલું સુખ પણ માનવને કેટલું બધું લાગે છે. તો સુખનાં મૂળ સમા પરમાત્મામાં કેટલું સુખ રહેલું છે.
આ વાત શ્રીજીમહારાજે ૨૦૦ વર્ષ પહેલાં વચનામૃત સારંગપુર પ્રકરણ – ૧માં કહ્યું છે કે,
“ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડના જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડના વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં.”(ક્રમશઃ)