કપાસના વાવેતરમાં થતી ગુલાબી ઈયળના ઉપદ્રવ અંગે જરૂરી પગલા લેવા ખેતી નિયામક  દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

692

ચાલુ ખરીફ સિઝનમાં કપાસના આગોતરા વાવેતરમાં અમુક જિલ્લાઓમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં નીચે મુજબના પગલા લેવા સબંધિત ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ભલામણ કરવામાં આવે છે.

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફુદા પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો.

ઉપદ્રવની શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વેણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઇયળની નર ફુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. કપાસનાં પાકમાં ફુલ-ભમરી, જિંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફુલ-ભમરી/ જિંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો. દવાઓનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફુલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ ૨૫ ઇસી ૧૦ મીલી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૦૪ મીલી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મીલી અથવા સાયપરમેથ્રિન ૧૦ ઇસી ૧૦ મીલી અથવા સાયપરમેથ્રિન ૨૫ ઇસી ૦૪ મીલી અથવા આલ્ફાસાયપરમેથ્રિન ૧૦ ઇસી ૧૦ મીલી અથવા સ્પીનોસાદ ૪૫ એસસી ૦૩ મીલી અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મીલી અથવા ક્લોરપાયરીફોસ ૧૬% + આલ્ફાસાયપરમેથ્રિન ૧% ઇસી ૧૦ મીલી અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મીલી અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રિન ૫ ઇસી ૧૦ મીલી અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ.પી. ૧૦ગ્રામ કીટનાશક ૧૦ લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.  ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયેથી બીવેરીયા બાસીયાના ૨૫ કિલો/હે. પ્રમાણે છંટકાવ કરવો.  કપાસના પાકમાં ફુલભમરી તથા જિંડવાની શરૂઆત થયે હેક્ટરે ૧.૫ લાખ ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટી (ક્રાયસોપા) ની ઇયળો છોડવાથી જૈવિક નિયંત્રણ કરી શકાય છે. નિયંત્રીત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા પંચાયત ભાવનગરના જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદિમા જણાવાયુ છે.

Previous articleબરવાળા ખાતે તાલુકા કક્ષાનુ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું
Next articleબરવાળા એ.પી.એમ.સી.ની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો વિજય