વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી હવાલા મારફતે પોતાની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના ચકચાર ભર્યા મની લોન્ડરીંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે આખરે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા તરફથી કરાયેલી જામીનઅરજીમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં ડાયરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઇડી) દ્વારા ગત તા.૨૭-૯-૨૦૧૬ના રોજ પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ (પીએમએલએ)એકટ-૨૦૦૨ની કલમ-૩ અને ૪ હેઠળ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં અરજદાર પ્રદીપ શર્માની તા.૩૧-૭-૨૦૧૬ના રોજ ધરપકડ થઇ હતી અને ત્યારથી તેઓ જેલમાં છે.
શર્મા તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે નીકેશ તારાચંદ શાહ વિરૂધ્ધ કેન્દ્ર સરકારના કેસમાં આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદામાં પીએમએલએ એકટની કલમ-૪૫(૧)ને ગેરબંધારણીય અને બંધારણની કલમ-૧૪ અને ૨૧ના ભંગ સમાન ઠરાવી છે અને તેથી હવે પ્રસ્તુત કેસમાં પણ પીએમએલએ એકટની કલમ-૪૫(૧) લાગુ પડતી નથી, તેથી કેસના બદલાયેલા સંજોગો ધ્યાને લેતાં અરજદારને જામીન મળવા જોઇએ. વળી, અરજદાર છેલ્લા દોઢેક વર્ષથી જેલમાં છે અને ઇડીએ જે ગુનો નોંધ્યો છે, તે ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઇનો છે તે જોતાં પણ અરજદારને જામીન મળવા જોઇએ. સૌથી મહત્વનું કે, તપાસનીશ એજન્સીએ અરજદાર વિરૂધ્ધ શીડ્યુલ ઓફેન્સનો જે ગુનો નોંધાયો છે તે તો પીએમએલએ એકટ ૨૦૦૫માં અમલમાં આવ્યો તે પહેલાનો છે, તેથી તપાસનીશ એજન્સી પશ્ચાદવર્તી અસરથી આ કાયદાની જોગવાઇ કેવી રીતે લાગુ પાડી શકે એવો મહત્વનો કાયદાકીય મુદ્દો પણ શર્માના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.જે.ગોસ્વામીએ ઉઠાવ્યો હતો. વળી, સમગ્ર કેસમાં નાણાં ટ્રાન્સફર અંગેનો અંતિમ સ્ત્રોત જ સ્પષ્ટ થતો નથી. આમ, કેસના તમામ સંજોગો અને હકીકતો ધ્યાને લેતાં અરજદાર જામીન મેળવવા હકદાર ઠરે છે. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે પ્રદીપ શર્માના જામીન મંજૂર કર્યા હતા.