સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી રૂમઝૂમ નોરતા ૨૦૧૯ નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે લોકો અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ સુમેળભર્યા બને તેમજ પરસ્પર સંકલન વધે તેવા હેતુથી આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી યોજાશે જેનું નામ રૂમઝૂમ નોરતા ૨૦૧૯ રહેશે. વધુમાં પોલીસ અધિક્ષકશ્રી એ જણાવ્યું હતું કે આ ઉત્સવમાં બહોળો લોક સમુદાય એકઠો થાય છે જેથી આ ઉત્સવ ના માધ્યમ થકી સરકારની વિવિધ લોકજાગૃતિ અંગેની યોજનાઓ નો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન, ટ્રાફિક અવેરનેસ, પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો બેટી પઢાવો, જળ એજ જીવન, કુપોષણ મુક્ત ભારત, વગેરે જેવી વિવિધ થીમ તથા યોજનાઓની આ ઉત્સવના માધ્યમથી લોકોમાં જાગૃતિ વધે તેવો પ્રયાસ હાથ ધરાશે. ઉત્સાહ ઉમંગ સાથે આ રૂમઝૂમ નોરતા માં જોડાવા જાહેર જનતાને અધિક્ષકએ આમંત્રણ પાઠવ્યું છે.