નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, જરૂરતમંદ દર્દીઓને અદ્યતન ટેકનોલોજી અને ઝડપી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે વધુ સવલતો ઉભી કરી સિવિલ હોસ્પીટલ અમદાવાદ ખાતે તા. ૨૨.૧૨.૨૦૧૫ના રોજ નવુ ટ્રોમા સેન્ટર શરૂ કરાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે ૨૦૧૬માં ૨,૬૬,૫૦૦ તથા ૨૦૧૭માં ૨,૬૯,૫૦૦ જરૂરતમંદ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
અદ્યતન ઓપરેશન થિયેટરો સાથેના ટ્રોમા સેન્ટરમાં અકસ્માતથી ધવાયેલા ૬૬૨૫ ઈજાગ્રસ્તો અને અકસ્માતે દાઝી ગયેલ ૫૯૯ને તાત્કાલીક સેવાઓ પુરી પાડી છે. નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર-સુવિધાના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટરમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે જુના ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર પથારીની સંખ્યા ૨૩ હતી
જે નવા ટ્રોમા સેન્ટરમાં ૬૦ કરવામાં આવી છે. તેજ રીતે આઈસીયુની ૩૧ પથારીના સ્થાને ૬૦, બાળકોના પીડિયાટ્રીક્સના આઈસીયુમાં ૬ પથારીના બદલે તેમજ વેન્ટીલેરની ૫૨ના સ્થાને ૮૮ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પીટલ ખાતે જરૂરતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવતી સેવાઓની જાણકારી આપતા જણાવ્યું કે, ડાયાલીસીસ સારવાર નવા ટ્રોમા સેન્ટરમાં મળી રહે તે માટે હીમો ડાયાલીસીસ સેન્ટર, ટેલી રેડીયોની અદ્યતન સેવા, ૨૪ કલાક પ્રધાનમંત્રી દિનદયાળ જનઔષધિ જેનરીક દવાઓનો સ્ટોર, રાઉન્ડ દ ક્લોક, ઈસીજી, ફાર્મસીની સેવાઓ, ઉપરાંત તમામ ટેસ્ટની અદ્યતન સેવાઓ, મેડીકલ લીગલ કેસો માટે પોલીસ ચોકી, અદ્યતન, મેડીકલ રેકર્ડ સહિત હેલીપેડ સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.દરમિયાન રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર પાઠવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લો આર્થિક સંપન્ન છે અને બે વર્ષમાં આ જિલ્લામાંથી વાણિજ્યિક વેરાની કુલ ૬૪૬ કરોડથી વધુ આવક થઈ છે. મંત્રીએ વધુ માહિતી આપી હતી કે, વર્ષ ૨૦૧૩-૧૪માં આણંદ જિલ્લામાંથી ૩૧૩.૮૦ કરોડની આવક થઈ હતી અને ૧.૭૫ કરોડની બાકી વસુલાત જ્યારે વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૩૨.૨૬ કરોડની વાણિજ્યિક વેરાની આવક થઈ છે જ્યારે ૨.૭૪ કરોડની બાકી વસુલાત છે. આવી બાકી વસુલાત માટે પેઢી ઉઠી જવી, લેણદારો લાપત્તા હોય, કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય જેવા કારણો જવાબદાર છે, ત્યારે વેરાની બાકી વસુલાત માટે કાયદાકીય રાહે વસુલાતની કામગીરી થઈ રહી છે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.