અમદાવાદમાં ૧લી ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગનો અમલ

416

રાજ્ય સરકારે ગુજરાત સ્ટેમ્પ વેચાણના નિયમોમાં કરેલ સુધારા મુજબ આગામી તા. ૧લી ઓક્ટોબર, ૨૦૧૯થી સમગ્ર ગુજરાતમાં નોન જ્યુડિશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે જાહેર જનતાને તેઓના અલગ-અલગ પ્રકારના લેખો ઉપર વાપરવામાં આવતાં જરૂરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી કે અગવડતા ન પડે અને જરૂરી માહિતી અને જાણકારી મળી રહે તે માટે અમદાવાદ જિલ્લામાં પણ અમદાવાદના સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનતંત્રએ વ્યવસ્થા કરી છે તેમ  સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનતંત્રના   નાયબ કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ફીઝીકલ નોન-જયુડિશિયલ સ્ટેમ્પનું ૧/૧૦/૧૯થી વેચાણ બંધ થતાં જાહેર જનતાને તેઓના અલગ- અલગ પ્રકારના લેખો ઉપર વાપરવામાં આવતાં જરૂરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી કે અગવડતા ન પડે તે માટે હાલમાં અમદાવાદમાં કુલ-૬૦ જેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો તેમજ કુલ-૧૬૯ જેટલી બેંકોમાં ફ્રેન્કિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી  છે. જેઓ પાસેથી જાહેર જનતા સ્ટેમ્પની ખરીદી કરી શકે છે.

ઉપરાંત ફીઝીકલ નોન-જયુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરી સરકારશ્રી ડિજિટાઇઝેશનના અભિગમ અન્વયે સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તેમજ બેંકોને પણ ઇ-સ્ટેમ્પિંગ લાયસન્સ આપવાનું નકકી કરવામાં આવેલ છે. જે માટે લાયસન્સ મેળવવા માટેની અરજી કરી શકે છે.

સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનતંત્રના નાયબ કલેકટરશ્રી એ ખાસ જણાવ્યું છે કે જાહેર જનતા દ્વારા તા.૩૦/૦૯/૨૦૧૯ના રોજ કે તે પહેલાં ખરીદ કરેલ સ્ટેમ્પ પેપર, સરકારશ્રીના નિયમોનુસાર સ્ટેમ્પ ખરીદ કર્યા તારીખથી છ માસ સુધી વાપરી શકાશે. આથી, જે લોકોએ ફીઝીકલ સ્ટેમ્પ ખરીદેલ હોય તેઓએ ગભરાવાની કોઇ જરૂરિયાત નથી. આ માટેની વધુ માહિતી માટે પોલિટેકનિક કમ્પાઉન્ડ ખાતે આવેલ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનતંત્રની કચેરીનો સંપર્ક કરી શકાશે. ફીઝીકલ નોન-જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવામાં આવનાર છે તેથી સ્ટેમ્પ વેન્ડર્સ અને પોસ્ટ ઓફિસ મારફત તા.૩૦/૦૯/૨૦૧૯ સુધી ફીઝીકલ નોન-જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ થઇ શકશે.

Previous articleરૂપિયા ચૂકવ્યા વગર કારખાનેદાર હીરા વેચવા લઇ ગયો,બાદમાં ધમકી આપી
Next articleરાજકોટમાં મહિલાઓની દેશી દારૂની હાટડીઓ પર રેડઃ આરોપીઓ ફરાર