રાજકોટમાં મહિલાઓની દેશી દારૂની હાટડીઓ પર રેડઃ આરોપીઓ ફરાર

443

ત્રણ દિવસ પહેલા રાજકોટની ભાગોળે વોટરપાર્કમાં ચાલી રહેલી પોલીસની મહેફિલમાં ખુદ પોલીસ ત્રાટકી હતી. આ બનાવ બાદ પોલીસ તંત્રએ શહેરના જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યાં છે. પરંતુ આજે શહેરનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે.કે. ચોક પાસે મહિલાઓએ મળીને જનતા રેડ પાડીને મોટા પ્રમાણમાં દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે અમે અનેકવાર પોલીસને આ વિસ્તારમાં દેશી દારૂ મળે છે તેવી રજૂવાત કરી હતી. પોલીસ તો અહીં આવે છે પરંતુ હપ્તા લઇને જતી રહે છે. અમારી સમસ્યાનું સમાધાન જ નથી થઇ રહ્યું. ત્યારે આજે અમે જાતે જ આ દેશી દારૂ વેચાતા જગ્યા પર દરોડા પાડ્યાં છે. અહીં આ ધંધો ચલવનારા બધા જ ફરાર થઇ ગયા છે.

મનસુખભાઇ કાલરિયાએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીનાં મત વિસ્તાર યુનિવર્સિટી રોડ પર અસહ્ય ગંદકી અને રોડ રસ્તા ડ્રેનેજનો ત્રાસ તો છે જ. ઉપરાંત બાજુની ઝૂપડપટ્ટીમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. સ્થાનિકોએ આ અંગે પોલીસને રજૂવાત પણ કરી છે પરંતુ પોલીસ કોઇ પગલા લેતી નથી. જેના કારણે લોકોએ જનતા રૅડ પાડી છે. અહીંનાં લોકો ૨૪ કલાક દેશી દારૂ વેચે છે. પોલીસ આવે છે અને હપ્તા લઇને જતા રહે છે. પરંતુ આ દારૂનાં વેચાણને બંધ કરવાની તસ્દી લેતા નથી. જો આ અંગે કડક કાયદા નહીં લેવામાં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

આ અંગે મહિલાઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બધાનો એક જ સૂર હતો કે, આ વિસ્તારમાં યુવાનથી માંડીને વૃદ્ધો દારૂ પીને પડી રહે છે. અમારે ઘરની બહાર જવું મુશ્કેલ થાય છે. આ વિસ્તારમાં અમારી દીકરીઓને મોકલતા પણ અમને ડર લાગે છે. આ લોકો દારૂ પીને છટકા બને છે અને ઘણી વખત બૂમાબૂમ પણ કરતાં હોય છે. અમારા બાળકો જ્યારે અમને પૂછે છે કે આ સેની વાસ આવે છે આ શું છે તો અમારે જવાબ આપવાનો ભારે પડી જાય છે.

Previous articleઅમદાવાદમાં ૧લી ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગનો અમલ
Next articleઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર,હથનુર ડેમમાંથી ૧ લાખ ક્યૂસ પાણી છોડાયું