પોરબંદરમાં આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે માછીમારી કરવા જતી તમામ બોટોને ટોકન આપવાના બંધ કરવામાં આવ્યાં છે. તો દરિયામાં માછીમારી કરવા ગયેલી પોરબંદરની મોટાભાગની બોટ બંદર પર પરત ફરી છે. ૨૩ તારીખ સુધી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયો તોફાની બને તેવી આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરથી દરિયો તોફાની બની રહ્યો છે. તેવામાં અમરેલીના જાફરાબાદ ખાતે મધ દરિયે રહેલી બોટ કિનારે પરત ફરી છે. જેથી જાફરાબાદ બંદરે બોટનો જમાવડો થયો છે. હવામાન વિભાગની આગાહી બાદ અંદાજે ૭૦૦ જેટલી બોટ દરિયા કિનારે પરત ફરી છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે બોટને દરિયામાંથી પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. ઉના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજીતરફ ઉનાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે દરિયો ગાંડોતૂર બન્યો છે. અને ફિંશિંગ માટે ગયેલી બોટ તંત્રએ આપેલા એલર્ટ બાદ પરત ફરી છે.