નહેરુએ યુદ્ધવિરામ ન કર્યું હોત તો પોકનું અસ્તિત્વ ન રહ્યું હોત : શાહ

516

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થવાની સાથે જ ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મોડમાં આવી ગયા છે. ચૂંટણીની જાહેરાતના એક દિવસ બાદ જ મુંબઈ પહોંચેલા અમિત શાહે આજે કલમ ૩૭૦ પર કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઇને રાહુલ ગાંધી સુધીના નેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇને પહેલા પંડિત જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવતા કહ્યું હતું કે, જો નહેરુએ ૧૯૪૭માં યુદ્ધવિરામની જાહેરાત કરી ન હોત તો આજે પોક ભારતના હિસ્સા તરીકે રહ્યું હોત.અમિત શાહે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે, કલમ ૩૭૦ ભાજપ માટે કોઇ રાજકીય મુદ્દો નથી. ત્રણ પેઢીઓએ આના માટે બલિદાન આપ્યું છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર બનનાર છે અને દેવેન્દ્ર ફડનવીસ જ મુખ્યમંત્રી તરીકે અકબંધ રહેશે. અમિત શાહે મુંબઈમાં કલમ ૩૭૦ પર કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. અમિત શાહે મોદીને કલમ ૩૭૦ અને ૩૫એને દૂર કરવાને લઇને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યં હતું કે, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જન સંઘ દ્વારા હંમેશા આ કલમોને લઇને લડાઈ લડવામાં આવી રહી હતી. કારણ કે, આ કલમો ભારતને એક કરવા આડે અડચણો ઉભી કરી રહ્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ ૧૯૪૭માં કાશ્મીરની રાજાશાહી વ્યવસ્થાને ભારતમાં મર્જ નહીં થવાને લઇને પણ પંડિત નહેરુને જવાબદાર ઠેરવ્યા હતા. શાહે કહ્યું હતું કે, જે રાજાઓને મર્જ કરવાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી તે તમામ રાજાશાહી વ્યવસ્થા સફળરીતે મર્જ થઇ ગઇ હતી પરંતુ જે એક વ્યવસ્થાની જવાબદારી પંડિત નહેરુને આપવામાં આવી હતી તેમાં હજુ પણ અડચણો છે. કાશ્મીરના મહારાજાએ મર્જરનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાને ૨૦મી ઓક્ટોબર ૧૯૪૭ના દિવસે કાશ્મીરીઓ ઉપર હુમલો કરી દીધો હતો. ત્યારથી લઇને સમસ્યાઓની શરૂઆત થઇ હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે મહારાજાએ કાશ્મીરના મર્જરને તૈયારી દર્શાવી ત્યારે ૨૭મી ઓક્ટોબરના દિવસે ભારતીય સેના પહોંચી હતી અને ધીમે ધીમે પાકિસ્તાનની સેનાને ખદેડી દીધી હતી.  શાહે આક્ષેપ કરતા કહ્યું છે કે, એજ દિવસે એકાએક નહેરુએ યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. જો યુદ્ધવિરામની જાહેરાત ન થઇ હોત તો પોકનું અસ્તિત્વ રહ્યું ન હોત. નહેરુની ભુલના કારણે પોકનો મુદ્દો આજે પણ અડચણરુપ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કલમ ૩૭૦ દેશમાં આતંકવાદ માટે મુખ્ય કારણ તરીકે રહી હતી. કાશ્મીરથી કાશ્મીરી પંડિતો, સુફી સંતોને આ કલમને કારણે જ બહાર કરી દેવામાં આવ્યા હતા. આ કલમના લીધે જ આતંકવાદી ગતિવિધિ ચરમસીમા પર પહોંચી હતી. કલમ ૩૭૦ના લીધે હજુ સુધી ૪૦૦૦૦થી વધુના મોત થઇ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવા છતાં કોંગ્રેસ પ્રશ્ન કરે છે કે, કલમ ૩૭૦ને કેમ દૂર કરવામાં આવી છે. શાહે કહ્યું હતું કે, ૩૭૦ની નાબૂદી બાદ જનતા શાંતિથી જીવન ગાળી રહી છે. હવે સ્થિતિ સામાન્ય બની ચુકી છે. માત્ર ૧૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત કલમો લાગેલી છે.

Previous articleવડાપ્રધાન મોદીના જન્મદિને રાજ્યમાં ૨૫,૨૫૨ મા કાર્ડ, ૪૬,૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ
Next articleમહારાષ્ટ્રમાં ચૂંટણી ભાજપ, શિવસેના માટે પરીક્ષા સમાન