રિષભ પંત એકવાર ફરી નંબર-૪ પર નિષ્ફળ રહ્યો છે. નંબર-૪ પર તેની નિષ્ફળતાનો આ સિલસિલો ખુબ લાંગો છે કે હવે સામાન્ય પ્રશંસકથી લઈને ક્રિકેટના દિગ્ગજો સુધી તમામ લોકો ધૈર્ય ગુમાવી ચુક્યા છે. સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે રિષભ પંતનું નંબર-૪ પર સફળ થવું મુશ્કેલ છે. ભારતીય ટીમે તેના સ્થાને અન્ય કોઈને તક આપવી પડશે. લારાએ તો ત્યાં સુધી કહ્યું કે, અત્યાર સુધી તેની જગ્યા ટીમમાં હતી અને હવે અન્યને તક આપવી જોઈએ. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટી૨૦ મેચમાં ભારતને ૯ વિકેટથી હરાવ્યું હતું. રિષભ પંત આ મેચમાં ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો અને માત્ર ૧૯ રન બનાવી આઉટ થયો હતો. વીવીએસ લક્ષ્મણે આ મેચની પહેલા અને બાદમાં કહ્યું કે, રિષભ પંતની બેટિંગ સ્ટાઇલ નંબર-૪ને લાયક નથી. તે ઈનિંગની શરૂઆતમાં એક-બે રન શોધતો નથી. તેનો પ્રયત્ન ભાગીદારી બનાવવાનો હોતો નથી. તેની જગ્યાએ શોટ્સ રમવાનું પસંદ કરે છે. તેવામાં ટીમ મેનેજમેન્ટે પંતને ૫ કે છઠ્ઠા ક્રમે મોકલવો જોઈએ. વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ પણ લક્ષ્મણની વાત પર સહમતિ વ્યક્ત કરી છે. આ વચ્ચે સુનીલ ગાવસ્કરે એકવાર ફરી કહ્યું કે, રિષભ પંતને બેટિંગ ઓર્ડરમાં નીચે કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે, નબંર-૪ પર શ્રેયસ અય્યર, મનીષ પાંડે અને કેએલ રાહુલનો વિકલ્પ હાજર છે. તેવામાં પંતને પાંચ કે છઠ્ઠા ક્રમે મોકલવો જોઈએ. તે આ નંબર પર વધુ સારૂ પ્રદર્શન કરશે.