સૌરાષ્ટ્રનો ભાદર ડેમ ચાર વર્ષના ગાળા બાદ ફુલ થયો

516

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતો ભાદર ડેમ આજે ચાર વર્ષ પછી ઓવરફ્‌લો થયો છે. જેને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ભાદર ડેમના ૨ દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ૧૭ જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાદર ડેમ રાજકોટ, જેતપુર સહિતનાં ૧૮ લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. આ સાથે જ અંદાજીત ૨૦ હજાર હેક્ટર જમીનને પિયત માટે પાણી આપવામાં આવે છે. ભાદર અત્યાર સુધીમાં ૨૦ વખત ઓવરફ્‌લો થયો છે અને આ વર્ષે ૨૧મી વખત ઓવરફ્‌લો થયો છે. છેલ્લા વીસ વર્ષ દરમિયાન ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૫માં છલકાયો હતો. ભાદરમાંથી રાજકોટ શહેરને ૪૫ એમએલડી પાણી આપવામાં આવે છે, જ્યારે જેતપુર, કોટડાસાંગાણી, શાપર સહિતની નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તાર ભાદર પર જ નભે છે. નાયબ કાર્યપાલક ઈજનેર જે.જે. પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે પોણા આઠ વાગ્યે ભાદર ડેમ ઓવરફ્‌લો થયો છે. આથી ડેમના ૧૫ અને ૧૬ નંબરનો દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ ૪૮૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્‌લો થતા ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહેશે. ૨૭૫૦૦ હેક્ટર જમીનને ફાયદો થશે. જેતપુરના ૧૭ ગામડાના સરપંચને જાણ કરી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ભાદર ડેમ છલોછલ ભરાઇ છતાં આસપાસના પંથકોના ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

Previous articleચક્રવાતી તોફાની હિકા વધુ તીવ્ર : તંત્ર સજ્જ
Next articleહવે ઉમેદવાર પસંદગી માટે ભાજપ-કોંગ્રેસની તૈયારીઓ