છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર પસંદગી માટે બેઠકો યોજી રહી છે. આ બેઠકોમાં ઉમેદવાર પસંદગી અને વ્યૂહરચનાના સંદર્ભે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ભાજપ દ્વારા તા.૨૪ સપ્ટેમ્બરની સાંજે ૬.૩૦ કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. તો કોંગ્રેસ દ્વારા તા.૨૬મી સપ્ટેમ્બરે ઉમેદવાર પસંદગી માટેની બેઠક યોજાવાની છે.
ભાજપ દ્વારા યોજાનારી તા.૨૪મી સપ્ટેમ્બરની બેઠકમાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપરાંત છ વિધાનસભા બેઠકો જે જિલ્લામાં આવતી હોય તેની જિલ્લા સંકલન સમિતિ, પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા વિધાનસભા ઇન્ચાર્જ/સહ ઇન્ચાર્જ તેમજ મંડલ પ્રમુખ,મહામંત્રી,પ્રભારીઓ હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ દ્વારા તા.૨૬ સપ્ટેમ્બરના રોજ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના પ્રદેશ હોદેદ્દારો હાજર રહેશે. ખેરાલુ, બાયડ, રાધનપુર, અમરાઈવાડી, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૨૩ સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઇ છે. જયારે આ પેટાચૂંટણી માટે તા.૩૦ સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ઉલ્લેખનીય છે કે, તા.૧ ઓક્ટોબરના રોજ ફોર્મની ચકાસણી થશે અને તા.૩ ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચવા પડશે. જ્યારે તા.૨૧ ઓક્ટોબરના રોજ મતદાન અને તા.૨૪ ઓક્ટોબરે મતગણતરી યોજાશે. છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની વ્યૂહરચના ઘડવામાં જોતરાયા છે અને યેનકેન પ્રકારે આ તમામ બેઠકો કબ્જે કરવાનું મન બનાવી લીધુ છે.