સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળા સલામતી સપ્તાહનો કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી કરાતા આજે નારી ગામે જગદિશ્વરાનંદ પ્રાથમિક શાળાના પટાગણમાં જિલ્લા કક્ષાનો ગુજરાત શાળા સલામતી સપ્તાહનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણાએ દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થીત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી મીતાબેન દુધરેજીયાએ જણાવ્યુ હતુ કે કુદરતી આપત્તિ સમયે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ પોતાના જીવના જોખમે પણ ફસાયેલા લોકોને સહી સલામત સ્થળે ખસેડવાનું સરાહનીય કામ કરે છે. નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ટીમના વડા કમલેશ કુમારએ જણાવ્યુ હતુ કે ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતી આપત્તિ નિર્માણ થતી હોય છે. તેથી પર્યાવરણ સંતુલન માટેના પ્રયાસો કરવા જરૂરી જણાય છે.
આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ટીમ દ્વારા કુદરતી આપત્તિ વખતે કઈ રીતે રેસ્ક્યુ કામગીરી કરી લોકોના જીવ બચાવવામાં આવે છે તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટર શાખાના ડિમ્પલબેન તેરૈયા, ભાવનગરના તાલુકા વિકાસ અધિકારી સહિત નારી ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.