રમતની દુનિયામાં અનેકવાર ઘણી દુર્ઘટનાઓ સર્જાય છે. જેના કારણે કેટલાક ખેલાડીઓ ફિલ્ડમાં જ પોતાનો જીવ ગુમાવે છે. આવું જ તમે ક્રિકેટના મેદાન પર પણ જોઇ ચૂક્યા છો. ક્રિકેટના મેદાન પર ક્યારેક કોઈ બોલ વિલન બની જાય છે તો ક્યારેક બોક્સિંગમાં પણ આવું જોવા મળે છે. પરંતુ હાલમાં જ બોક્સિંગ રિંગમાં એક એવી દુર્ઘટના સર્જાઇ જેના કારણે મેનેજમેન્ટ ઉપર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. એક પ્રોફેશનલ ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ એક બોક્સરને પોતાના જીવથી હાથ ધોવા પડ્યો, પરંતુ મોત બાદ ખુલાસો થયો છે કે જે નામના બૉક્સરનું મોત થયું છે એ તો જીવતો છે અને જેને દુનિયાએ અલવિદા કહી, તે તેના લાઇસન્સ પર રમી રહેલો તેનો ભાઈ હતો.
બુલ્ગારિયામાં એક પ્રોફેશનલ ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ બોરિસ નામના એક બોક્સરે દુનિયાને અલવિદા કહી દીધું. તેના મોત બાદ તેના પિતરાઈ ભાઈ ઇસ્સે ખુલાસો કર્યો કે બોરિસ એક વર્ષથી તેના લાઇસન્સ પર રમી રહ્યો હતો.
બોરિસ ફૅધરવેટમાં આર્દિટ મુરજાની વિરુદ્ધ રિંગમાં ઉતર્યો હતો. બંને વચ્ચે મુકાબલો શરૂ થયો અને થોડીક જ વાર બાદ મુરજાએ ડાબો જૈબ માર્યો. બોરિસ પોતાના કોર્નર પર આવતાં-આવતાં લથડી ગયો અને દોરડાથી ટકરાઈને પડી ગયો. મેડિકલ સ્ટાફે તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસ કર્યા. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.