કાલુપુર રે. સ્ટે. ‘રામભરોસે’…ના મેટલ ડિટેક્ટર, ના બેગેજ સ્કેનર

502

રાજ્યના એ-વન કેટેગરીમાં આવતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના સવા લાખથી વધુ પ્રવાસીઓની અવરજવર રહેતી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થાના મામલે અનેક છીંડાં જોવા મળી રહ્યાં છે. પ્રવાસીઓની સુરક્ષા કે તેમના માલ-સામાનની ચકાસણી માટે એક પણ બેગેજ સ્કેનર રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ નથી એટલું જ નહીં, પ્લેટફોર્મ નં. ૧ર પર હજારોની સંખ્યામાં પાર્સલના ખડકલા હોવા છતાં આ પાર્સલમાં કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ છે કે કેમ તેની ચકાસણી અંગે પણ કોઇ જ સ્કેનરની વ્યવસ્થા નથી.

અમદાવાદ સહિત રાજ્યભરના કોઈ પણ રેલવે સ્ટેશન પરથી કોઈ પણ વ્યકિત જોખમકારક કે પ્રતિબંધિત ચીજવસ્તુનું પાર્સલ આસાનીથી મોકલી શકે છે. રેલવે સ્ટેશન પર માલસામાનની ચકાસણી માટે એક પણ સ્કેનર નહીં હોવાના કારણે દારૂ, ડ્રગ્સ, હથિયાર કે કોઇ પણ જ્વલનશીલ પદાર્થ કે ચીજવસ્તુઓ હોય તો તેની પણ જાણ થાય નહીં તેવી સ્થિતિ છે.

સ્કેનરના અભાવે છેલ્લાં પ વર્ષમાં રેલવે પોલીસે માત્ર રૂ.૩ર,૯૦પનો દારૂ અને ૧.ર૦ લાખનો ગાંજો પકડ્યો છે. આ અંગે રેલવેના અમદાવાદના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત રાજ્યના કોઈ પણ રેલવે સ્ટેશન પર એક પણ સ્કેનર નથી. ગત માસમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર બે લગેજ સ્કેનર મૂકવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી, જેથી એરપોર્ટની જેમ પ્રવાસીઓનાં લગેજ ચેક કર્યા બાદ પ્રવાસીઓ પ્લેટફોર્મ પર એન્ટ્રી લઈ શકશે, જોકે આ જાહેરાતનો અમલ ક્યારે થાય છે તે હવે જોવાનું રહે છે.

Previous articleમકાન ભાડે રાખી કુટણખાનુ ચલાવતા ૨ નેપાળી યુવતી સહિત દલાલની અટકાયત
Next article૮૭ વર્ષના વૃદ્ધને ઘરમાં બંધક બનાવી ૩ લૂંટારૂઓએ ૧૦ લાખની લૂંટ મચાવી