ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા મહુવામાં મોરારિબાપુના સાનિધ્યમાં શિક્ષણપર્વ પ્રારંભ વેળાએ સંવાદ આવતા જાણિતા શિક્ષણવિદ અનિલ સદગોપાલે કહ્યું કે, દેશની શિક્ષણ પ્રથા બદલવા સંઘર્ષ એક માત્ર માર્ગ છે.
શિક્ષણ પર્વના પ્રારંભે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયા બાદ ગાંધીજીના શિક્ષણ વિચાર-સામાન્ય વિદ્યાલયોમાં તેનો વિનિયોગ વિષય પર સંવાદ આપતા જાણિતા શિક્ષણવિદ્દ ચળવળકાર અનિલ સદગોપાલે કહ્યું કે, નઈ તાલીમ જ સર્વ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે. તેમણે વર્તમાન શિક્ષણ નીતિ જ શિક્ષણ વિરોધી બનતી રહ્યાનો વસવસો વ્યક્ત કર્યો. સરકાર શિક્ષણના લોકભાગીદારી સાથે વ્યાપારીકરણ કરી રહેલ છે જેથી ચોક્કસ વર્ગ જ શિક્ષણ આપી શકે છે. દેશની શિક્ષણ પ્રથા બદલવા સંઘર્ષ એક માત્ર માર્ગ છે. તેમણે આ માટે જનચેતના ઉભી કરવા હાકલ કરી. અનિલ સદગોપાલે ૧૮૪૮ના વર્ષમાં પુનામાં સાવિત્રી ફૂલે તથા ફાતિમાએ શરૂ કરેલ પીડિત જાતિની શિક્ષણ સેવાથી લઈ આજની શિક્ષણ વ્યવસ્થાનો કડવો ચિતાર આપ્યો. ગાંધીજી ઉત્પાદક શિક્ષણના આરૂહી હતા. જે હવે ઉત્પાદનકર્તાનું શોષણ તથા મુડીવાદીઓના નફા માટે બની ગયું છે. આશાબેન વૈધના સંચાલન સાથે વૈશાલીબેન શાહ જીવનાભુવ દ્વારા સંવેદનશીલતાની કેળવણી તથા રતિલાલ બોરીસાગરે સાહિત્ય દ્વારા હૃદયની કેળવણીના સંવેદનભર્યા વ્યાખ્યાન આપ્યા હતા. બપોરે પછીની બેઠકમાં રેખાબેન ભટ્ટના સંચાલન સાથે શિક્ષક-વિદ્યાર્થી સંબંધનું પ્રેમ રસાયણ વિશે ચંદ્રકાંત વ્યાસ તથા શિક્ષક વિદ્યાર્થી સંબંધનું રહસ્ય વિશે મનસુખભાઈ સલ્લા દ્વારા ઉદ્દબોધનો થયા હતા.
સુદર્શન આયંગરના પ્રશ્ન અને દિશાદર્શન સાથેની જુથ ચર્ચા-નવી નજરમાં શ્રીભદ્રાયુ વચ્છરાજાણી દ્વારા કૌશલ્ય વિકાસ અને સર્જનાત્મકતાનો સંબંધ, અરૂણભાઈ દવે દ્વારા કૌશલ્ય વિકાસના વિવિધ આયામો તથા મહેન્દ્ર ભટ્ટ દ્વારા યોગ-ઉદ્યોગ-સહયોગના સમનાયની કેળવણી વિશે સુંદર રસાળ ચર્ચા વિવેચનો રજૂ થયા. સમગ્ર ગુજરાતમાંથી શિક્ષકો, શિક્ષણવિદ્દો અને શિક્ષક સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ આ બે દિવસીય શિક્ષક પર્વમાં જોડાયા છે.