દેશભરમાં મોબ લિન્ચિંગના વધી રહેલા શરમજનક મામલાઓમાં હવે ગુજરાતના જામનગરનું નામ પણ સામેલ થયું છે. અહીં માત્ર ચોર હોવાની આશંકામાં સાત લોકોએ ભેગા મળીને એક અજાણી વ્યક્તિને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.
જામનગર પોલીસે સોમવારે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, આ શરમજનક ઘટના મોતી ખાવડી ગામની છે, જે રવિવારે ઘટી હતી. આ મામલે સામેલ સાતમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. મૃતકની ઓળખ થઇ નથી પરંતુ તેની અંદાજીત ઉંમર ૩૬ વર્ષની હોવાનું માનવામાં આવે છે. જામનગર પોલીસના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિએ રવિવારે સવારે દીવાલ કૂદીને મકાનમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી સ્થાનિક લોકોએ તેને ચોર સમજીને લાકડીઓથી માર માર્યો હતો જે દરમિયાન તેની મોત થઇ હતી.
સ્થાનિક પોલીસ હાલમાં ફરાર ત્રણ અન્ય આરોપીઓની તપાસ કરી રહી છે. પોલીસે આઇપીસીની વિભિન્ન કલમો હેઠળ સાતેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.