સરિતા ગાયકવાડ પોલેન્ડ ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાથી બહાર થઈ ગઈ છે. પગમા ઈન્જરીના કારણે સરિતા ગાયકવાડે પોતે પોતાનુ નામ પરત લઈ લીધુ છે. સાથે પગમાં ગાંઠનુ ઓપરેશન કરવાના કારણે પણ તેને ડોકટરે ૧૦ દિવસનો આરામ કરવાની સલાહ આપી છે. એશિયન ગેમ્સમા રીલે દોડમા ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી આવતી સરિતા ગાયકવાડે દેશનું નામ રોશન કર્યુ છે ત્યારે પોલેન્ડ ખાતે યોજાનાર ગેમ્સમા ભાગ ન લઈ શકે તેનું દુઃખ સરિતા વ્યક્ત કરી રહી છે.
ડાંગના સીમાડાના કરાડી આંબા ગામના શ્રમિક પરિવારની પુત્રી સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડે એથ્લીટ તરીકેની કારકિર્દીની શરૃઆત ખો-ખોથી કરી હતી અને નેશનલ્સમાં પ્રભાવ પાડયો હતો. જોકે એક કોચની સલાહ પર તેણે એથ્લેટિક્સ પર ધ્યાન આપવાનું શરુ કર્યું હતુ. પરિવારના આર્થિક સંઘર્ષ વચ્ચે સરિતાએ એથ્લેટિક્સને સહારે સફળતા મેળવી હતી. તેણે ઈન્ટર યુનિવર્સિટી નેશનલ લેવલની ઈવેન્ટમાં ગોલ્ડ સહિત ત્રણ મેડલ્સ જીત્યા હતા. એશિયાડની ટ્રાયલ ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ જીતનારી સરિતા ગાયકવાડ એથ્લેટિક્સમાં શાનદાર દેખાવને કારણે હાલમાં ઈન્કમટેક્ષમાં ઓફિસર તરીકેની જવાબદારી સંભાળી રહી છે.