પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારો અને પોક વિનાશક ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. આના કારણે અભૂતપૂર્વ નુકસાન પણ થયું છે. ખાસ કરીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ભારે તારાજી થઇ છે. ભૂકંપથી પોકમાં ભારે તબાહીના ચિત્રો સપાટી ઉપર આવ્યા છે. ઓછામાં ઓછા ૨૫ લોકોના મોતના સમાચાર મળી ચુક્યા છે. બિનસત્તાવારરીતે મોતનો આંકડો વધુ દર્શાવવામાં આવી રહ્યો છે. પોકમાં મીરપુરમાં સૌથી વધારે તબાહી થઇ છે જ્યાં ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ છે. રસ્તાઓ ફાટી ગયા છે. વાહનો ગરકાવ થઇ ગયા છે. ભારે નુકસાન તંત્રને થયું છે. મીરપુરમાં સૌથી વધારે નુકસાન તથા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ભૂકંપની માઠી અસર પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારમાં પણ નોંધાઈ છે જેમાં લાહોર, પેશાવર, ઇસ્લામાબાદ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. ભૂકંપ બાદ લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. પાકિસ્તાનના રાવલપિંડી શહેરથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે દક્ષિણ પૂર્વના જાટલાનમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ પાકિસ્તાનમાં સૌથી વધારે નુકસાન મીરપુરમાં થયું છે જ્યાં મકાનો ધરાશાયી થઇ ગયા છે.
રસ્તાઓ ફાટી ગયા છે. ઘાયલોની સંખ્યા સેંકડોમાં હોવાનું જાણવા મળ્યું છે જેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં અને ખાસ કરીને પોકમાં ઇમરજન્સીની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. ભૂકંપ બાદ પાકિસ્તાનના મીરપુરમાં ઇમરજન્સીની જાહેરાત કરાઈ છે. ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, મુલ્તાન, ફૈઝલાબાદ, તક્ષશીલામાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મીરપુરમાં સૌથી વધારે નુકસાન થયું હતું. પાકિસ્તાનના આર્મી વડા કમર બાજવાએ સેનાને મદદ કરવા માટે કહ્યું છે. જ્યાં પણ લોકો અસરગ્રસ્ત થયા છે ત્યાં પહોંચી જવા સેનાને કહેવામાં આવ્યું છે. અનેક પુલ પણ ધરાશાયી થયા છે જેના લીધે સેંકડો ગાડીઓને અસર થઇ છે. અત્રે નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૧૫માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ૪૦૦થી વધુના મોત થયા હતા. જ્યારે ૮મી ઓક્ટોબર ૨૦૦૫ના દિવસે પાકિસ્તાનમાં ૭.૬ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેમાં ૭૩૦૦૦ લોકોના મોત થયા હતા અને કરોડો લોકોને અસર થઇ હતી.