પાકિસ્તાનમાં આવેલા વિનાશકારી ભૂકંપની અસર આજે ભારતમાં પણ જોવા મળી હતી. ખાસ કરીને દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો ભૂકંપથી હચમચી ઉઠ્યા હતા. ભારતીય સમય મુજબ સાંજે ૪.૩૦ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ જેટલી આંકવામાં આવી છે. ભારતમાં પાકિસ્તાનની નજીક જોડાયેલા જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે અસર અને તીવ્રતા નોંધાઈ હતી. ઇજાગ્રસ્તો અને અન્યો અંગે માહિતી મળી શકી નથી. જમ્મુ કાશ્મીરના રાજૌરી, પુંચ, જમ્મુ, ઉધમપુર અને રામબાણના અનેક વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતાનો અનુભવ લોકોએ કર્યો હતો. જમ્મુ કાશ્મીર ઉપરાંત દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં લોકો હચમચી ઉઠ્યા હતા. ચંદીગઢ, અંબાલા, પાનીપત, અમૃતસર, લુધિયાણા સહિત પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં દહેશત અનુભવાઈ હતી. દિલ્હી સહિત ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મોડા સુધી લોકો ભૂકંપના કારણે ખાલી સ્થાનો અને પાર્કોમાં ઉભેલા નજરે પડ્યા હતા. પાકિસ્તાનના લાહોર અને ઇસ્લામાબાદમાં ભૂકંપની તીવ્રતા ભારતીય શહેરો કરતા વધારે નોંધાઈ હતી.
મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં ૨૦મી સપ્ટેમ્બરના દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અલબત્ત આજે આવેલા ભૂકંપના કારણે ભારતમાં જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. સમગ્ર દેશમાં પણ ભૂકંપને લઇ દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.