ગુજરાત વિધાનસભાની ૬ બેઠકો ઉપર થનાર પેટા ચૂંટણીને લઈ હવે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. પેટા ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરી શકે તેવા સમાચાર છે. તેવામાં ગઠબંધનને લઈ ગુજરાત કોંગ્રેસ માટે પહેલા કોળિયે જ માખી જેવો ઘાટ સર્જાયો છે. બાયડ વિસ્તારના કોંગ્રેસનાં આગેવાનોએ એનસીપી સાથેના ગઠબંધનને લઈ ભારે વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસ-એનસીપી વચ્ચેના ગઠબંધન અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ગઠબંધન થયું છે. ગુજરાત માટે પણ સમય આવ્યે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બંને પક્ષે રાષ્ટ્રીય કક્ષાએ વાટાઘાટો ચાલી રહી છે. યોગ્ય દરખાસ્ત આવશે તો યોગ્ય નિર્ણય લેવાશે તેવું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
હાલ રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે એનસીપીમાંથી મહેન્દ્ગસિંહ વાઘેલા ચૂંટણીમાં ઉતરી શકે છે. એનસીપીના નેતા મહેન્દ્ગસિંહ વાઘેલા શંકરસિંહના પુત્ર છે અને મહેન્દ્રસિંહ વાઘેલાને ગુજરાતના રાજકારણનો બહોરો અનુભવ ધરાવે છે. બાયડ બેઠક પર શંકરસિંહ વાઘેલાનો પહેલાથી દબદબો રહ્યો છે, પરંતુ હવે બાપુ ચૂંટણી લડવાના નથી, ત્યારે કોંગ્રેસ એનસીપી સાથે ગંઠબંધન કરીને મહેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટણીના રણમેદાનમાં ઉતારી શકે છે.
બાયડ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ ચર્ચાતા કોંગ્રેસમાં આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. બાયડ વિસ્તારના કોંગ્રેસના આગેવાનોએ એનસીપી સાથેના ગઠબંધનને લઈને વિરોધ નોંધાવ્યો છે. બાયડ વિધાનસભાના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને મોવડી મંડળ સામે પોતાનો વિરોધ નોંધવ્યો હતો.