ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ગુરુવારે બોર્ડ પ્રેસિડેન્ટ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ ખાતે ૩ દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. રોહિત શર્મા બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કપ્તાની કરશે. અજિંક્ય રહાણે અને હનુમા વિહારીએ વિન્ડીઝની ટૂર પર શાનદાર દેખાવ કરીને ભારતના મિડલ ઓર્ડર ક્રમમાં પોતાનું સ્થાન સિમેન્ટ કરી લીધું છે. તે પછી હવે ટીમ મેનેજમેન્ટ રોહિતને ઓપનર તરીકે રમાડવા માગે છે. ૩૨ વર્ષીય રોહિતનો દ.આફ્રિકા સામે દેખાવ નક્કી કરશે કે તે ભારતીય ટેસ્ટ ટીમનો કાયમી સદસ્ય બની શકે છે કે નહીં.
ભારત ૨ ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. રોહિત સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે. વનડેમાં દિગ્ગજની ઉપાધિ મેળવનાર રોહિતનો અત્યાર સુધી ટેસ્ટમાં દેખાવ સાધારણ રહ્યો હતો. તેણે ૨૭ ટેસ્ટમાં ૩૯.૬૨ની એવરેજથી ૧૫૮૫ રન કર્યા છે. આ દરમિયાન તેણે ૩ સદી જ ફટકારી છે. ટેસ્ટમાં રેડ બોલ જે વધારે મૂવ થાય છે તેમાં રોહિતની ટેકનીક અંગે ભૂતકાળમાં ઘણા પ્રશ્નો થયા છે. જોકે કપ્તાન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ વિરેન્દ્ર સહેવાગનું ઉદાહરણ ધ્યાનમાં રાખીને રોહિતને ઓપનર તરીકે તક આપવા માગે છે. રોહિત સિવાય ઓપનરની રેસમાં શુભમન ગિલ,પ્રિયાંક પંચાલ અને અભિમન્યુ ઈશ્વરન પણ શામેલ છે.
બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સ્ક્વોડઃ રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, અભિમન્યુ ઈશ્વરન, કરૂણ નાયર, સિદ્ધેશ લાડ, કેએસ ભારત (વિકેટકીપર), જલજ સક્સેના, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અવેશ ખાન, ઇશાન પોરલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ
દક્ષિણ આફ્રિકા સ્ક્વોડઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા, થ્યુનિસ દ બ્રુયિન, ક્વિન્ટન ડી કોક, ડીન એલ્ગર, ઝુબૈર હમઝા, કેશવ મહારાજ, એડેન માર્કરામ, સેનુરન મુથુસામી, લુંગી એનગિડી, એનરિચ નોટ્ર્જે, વર્નોન ફિલાડેર, કગીસો રબાડા અને રૂડી સેકન્ડ