મારુતિએ ૧૦ મોડલની કારની એક્સ-શોરૂમ કિંમતોમાં ૫,૦૦૦ રૂપિયાના ઘટાડાની બુધવારે જાહેરાત કરી છે. અલ્ટો ૮૦૦, અલ્ટો કે ૧૦, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઈગનિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ ક્રોસની તમામ વેરાઈટી સામેલ છે. ઘટાડા બાદ નવી કિંમતો પણ લાગુ થઈ ગઈ છે. મારુતિએ જણાવ્યું કે, કિંમતોમાં ઘટાડો હાલની ઓફર કરતા વધારે છે. કંપનીના કહ્યાં પ્રમાણે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને પહોંચાડવા માટે સ્વેચ્છાએ કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી એન્ટ્રી લેવલના ગ્રાહકો માટે કાર ખરીદવું સરળ બનશે. આવું કરવાથી ફેસ્ટિવ સીઝનમાં સેન્ટીમેન્ટ સુધરશે અને માંગમાં વધારો થશે.
સરકારે ગત સપ્તાહે ઘરેલું કપંનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ૩૦% થી ઘટાડીને ૨૨% કરવાની જાહેરાત કરી હતી. જેનાથી કંપનીના નફામાં વધારો થશે. મારુતિના નિર્ણયથી ઓટો અને અન્ય સેક્ટરની કંપનીઓ પણ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડોનો ફાયદો ગ્રાહકો સાથે શેર કરી શકે છે.