એક તરફ ગુજરાતના મુખ્યંત્રી વિજય રૂપાણી દાવા કરી રહ્યા છે કે મંદી ક્યાય નથી એ તો માત્ર હવા છે! તો બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાનનાં આ દાવામાં સત્યતા કેટલી છે એ સાબરકાંઠા જીલ્લો બતાવી આપે છે, જ્યાં મંદીએ ૫૦૦૦થી વધુ લોકોને બેરોજગાર કરી દીધા છે. સાબરકાંઠામાં દિનરાત ધમધમતાં કારખાનાઓને ચૂપ કરી દીધાં છે.
સુમસામ પડેલા કારખાના, તાળાબંધ ક્વાર્ટર, થંભી ગયેલા મશીનરીના પૈડા, અને હજારો લોકો બેરોજગાર. સરકાર ભલે કહેતી હોય ક્યાય મંદી નથી! પણ આ હાલત સાબરકાંઠા જીલ્લાની છે. ગુજરાતમાં મોરબી બાદ જો સૌથી વધુ સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન થતું હોય તો તે સાબરકાંઠામાં થાય છે. જોકે. નોટબંધી, જી.એસ.ટી અને હાલમાં ચાલી રહેલી મંદીના મારે આ સિરામિક ઉજ્યોગ મૃતઃપાય થઈ ગયો છે, જ્યાં એક સમયે સિરામિકના ૧૫ જેટલાં પ્લાન્ટ ધમધમતાં હતા ત્યાં હાલમાં ૪ પ્લાન્ટ મંદીની અસર તળે બંધ કરી દેવામાં આવ્યા છે.
સિરામિક ઍસોસિયેશનના પ્રમુખ મણીલાલ પટેલે વાતચીતમાં જણાવ્યુ હતુ કે ’મંદીના કારણે ૪ પ્લાન્ટ બંધ થઈ ગયા છે, તો ૫૦૦૦થી વધુ લોકોને રોજગારી પણ છીનવાઈ છે જો સરકાર જી.એસ.ટીમાં ઘટાડો કરે તો જ ફાયદો થાય એમ છે’ જીલ્લામાં ૪ પ્લાન્ટ બંધ થતા ૫,૦૦૦ થી વધુ લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે. આ લોકોને ગુજરાન ચલાવવાના ફાંફા પાડવા માંડ્યા છે. ગલ્ફ દેશોમાં ટાઇલ્સની જે નિકાસ થતી હતી તે ઓછી અથવા તો બંધ જ થઇ ગઈ છે.