હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા હોબાળો, પરિવારજનો ધરણા પર બેઠા

514

મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી. પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તૈયારી દર્શાવી છે. હાલ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનો ધરણા પર બેસી ન્યાયની માંગ કરી રહ્યા છે. જ્યારે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં દયાબેન મયુરભાઈ કેવડિયા (ઉ.વ.૩૩) પરિવાર સાથે રહેતા હતા. ગર્ભવતી દયાબેનને ગત રોજ પ્રસૂતિની પીડા થતા સવારે ૧૧.૩૦ કલાકે મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજે ૬ વાગ્યા સુધી નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ ૫ મિનિટમાં જ સિઝર કરવું પડશે એમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો.

પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકીના જન્મ બાદ દયાબેનને ઓક્સિજન પર રાખવા પડશે હોવાનું કહી બાજુની હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ દયાબેનની તબિયત બાબતે કંઈ પણ કહ્યા વગર ૧૦ બોટલ લોહી મંગાવી લીધું હતું અને કહ્યું હતું કે સિઝરમાં લોહી વધુ વહી ગયું છે. ૧ કલાક બાદ અન્ય ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને ગંભીર હાલતમાં દયાબેનને ખસેડવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

હોસ્પિટલમાંથી નીચે ઉતારતા જ દયાબેનનું શરીર ઠંડુ પડી ગયું હોવાનું જણાયું હતું. ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં દયાબેન પર પમ્પીંગ કરવાનું નાટક કરી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Previous articleઅબડાસાના ધારાસભ્ય પ્રધુમન સિંહએ જાહેરાત છપાવીને ભાજપા નેતાઓનો આભાર માન્યો
Next articleઝઘડા બાદ પતિની નજર સામે જ મહિલાએ તળાવમાં ભૂસ્કો માર્યો, ડૂબી જતા મોત