વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી હવાલા મારફતે પોતાની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના ચકચારભર્યા મની લોન્ડરીંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે આખરે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે આજે પ્રદીપ શર્મા સાબરમતી જેલમાંથી જામીનની ઔપચારિકતા પૂરી કરી બહાર આવ્યા કે તરત જ એસીબીના અધિકારીઓએ આ પૂર્વ સનદી અધિકારીને તાત્કાલિક ઉઠાવ્યા હતા અને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હતી. પોલીસના આ વલણને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છ
ે તો, બીજીબાજુ, શર્માના પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે આ પ્રકારે પૂર્વ સનદી અધિકારી કક્ષાના અધિકારીને આ પ્રકારે એકાએક ઉઠાવી કેવી રીતે લઇ જઇ શકે તો બીજીબાજુ પ્રદીપ શર્માના સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ પણ પોલીસ અને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તેમના અસીલને જો પોલીસે પકડવા જ હોય તો અગાઉથી સમન્સ અથવા નોટિસ આપી જાણ કરી હોવી જોઇએ પરંતુ અચાનક જ આ પ્રકારે ગેરકાયદે રીતે ઉઠાવવાનું કૃત્ય હાઇકોર્ટના હુકમના તિરસ્કાર સમાન કહી શકાય. એસીબીના અધિકારીઓએ તેમના અસીલ પ્રદીપ શર્માને કયા ગુનામાં પકડયા છે તે જાણીને તેઓ આ સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી કરશે એટલું જ નહી, શર્માને ગેરકાયદે રીતે ઉઠાવનાર જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ જરૂર પડયે તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે.પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માના હાઇકોર્ટના સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વેલસ્પન કંપનીને જમીન ફાળવણી કેસમાં તેમની પત્નીના અમેરિકાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના કેસમાં ડાયરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઇડી) દ્વારા ગત તા.૨૭-૯-૨૦૧૬ના રોજ પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ (પીએમએલએ)એકટ-૨૦૦૨ની કલમ-૩ અને ૪ હેઠળ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં અરજદાર પ્રદીપ શર્માની તા.૩૧-૭-૨૦૧૬ના રોજ ધરપકડ થઇ હતી અને ત્યારથી તેઓ જેલમાં હતા. તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે નીકેશ તારાચંદ શાહ વિરૂધ્ધ કેન્દ્ર સરકારના કેસમાં આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદામાં પીએમએલએ એકટની કલમ-૪૫(૧)ને ગેરબંધારણીય અને બંધારણની કલમ-૧૪ અને ૨૧ના ભંગ સમાન ઠરાવી હતી અને તેથી હવે પ્રસ્તુત કેસમાં પણ પીએમએલએ એકટની કલમ-૪૫(૧) લાગુ પડતી નથી, તેથી કેસના બદલાયેલા સંજોગો ધ્યાને લઇ ગઇકાલે હાઇકોર્ટે પ્રદીપ શર્માના જામીન મંજૂર કર્યા હતા. સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સવારે સાબરમતી જેલમાંથી પ્રદીપ શર્મા જામીનની ઔપચારિકતા પૂર્ણ કરી જેવા બહાર આવ્યા કે, પહેલેથી જ સાબરમતી પોલીસ, રાણીપ પોલીસ સહિતના સ્ટાફના કાફલા સાથે એસીબીના અધિકારીઓ પહેલેથી જ હાજર હતા, તેમણે પ્રદીપ શર્માને તાત્કાલિક ત્યાંથી ઉઠાવી અજ્ઞાત સ્થળે લઇ ગયા હોવાની માહિતી અમને જાણવા મળી હતી. જો કે, હવે કયા ગુનામાં એસીબીએ પ્રદીપ શર્માને પકડયા છે તે સ્પષ્ટ થયા બાદ અમે આગળની કાનૂની કાર્યવાહી કરીશું. સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ આ સમગ્ર પ્રકરણમાં અદાલતી તિરસ્કારની કાર્યવાહી અને જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આગામી દિવસોમાં આ સમગ્ર હેરાનગતિ અને કિન્નાખોરી પરત્વે હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવશે.