ભારતીય હવાઇ દળના એરબેઝ પર હુમલા કરવા માટેની ઘાતક યોજના ખતરનાક ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ દ્વારા તૈયાર કરવામાં આવી હોવાના ચોંકાવનારા હેવાલ મળ્યા છે. આ પ્રકારના અહેવાલ મળ્યા બાદ ભારતીય હવાઇ દળના એરબેઝ પર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તપાસ સંસ્થાઓએ ચેતાવણી આપતા કહ્યુ છે કે જેશે મોહમ્મદના આઠથી દસ ત્રાસવાદીઓના એક મોડ્યુલને લઇને ચેતવણી જારી કરી છે. જે આ હુમલાને અંજામ આપી શકે છે. જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ની નાબુદી કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ સરહદ પર ગતિવિધીને તીવ્ર કરવા માટે ઇચ્છુક છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ત્રાસવાદીઓની મુવમેન્ટ પર નજર રાખી હતી. ત્યારબાદ શ્રીનગર, અવંતિપુર , જમ્મુ, પઠાણકોટ તેમજ હિંડન એરબેઝ પર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરી દેવામાં આવી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બે દિવસ પહેલા જ સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યુ હતુ કે પાકિસ્તાન સ્થિત બાલાકોટ ટેરર કેમ્પ ફરી સક્રિય છે. અહીં સેંકડોની સંખ્યામાં ફરી ત્રાસવાદીઓ ટ્રેનિંગ લઇ રહ્યા છે. બાલાકોટના ટેરર કેમ્પને ફેબ્રુઆરીના મહિનામાં ભારતે હવાઇ હુમલા કરીને ફુંકી માર્યુ હતુ. જેમાં સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ પર હુમલા કરવા માટે તેમના આકાઓ દબાણ લાવી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા તેમના જોરદાર ઓપરેશનના કારણે ત્રાસવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે. સેંકડો ટોપ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરીને તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોના કહેવા મુજબ ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ બાદ બીજી સૌથી મોટી ગંભીર ચેતવણી તરીકે હોય છે. ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ એરબેઝ પર મુવમેન્ટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સ્કુલો બંધ કરી દેવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ હમેંશા સુરક્ષા પાસાની સમીક્ષા કરી રહ્યા છે. કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટેની તૈયારી રાખવામાં આવી છે. ગયા મહિનામાં જ પાકિસ્તાને પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડોને ગુજરાતના સરક્રિક મોકલી દીધા હતા. સુરક્ષા દળોએ છેલ્લા દોઢ મહિનાના ગાળામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.