પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઐતિહાસિક નિર્ણયો લઈ દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર પાંચ ટકાને સ્પર્શી ગયો છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા માટે ત્વરિત પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેથી આવનારા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર વધતો જોવા મળશે. એવું નડીયાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.
મંત્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું કે ૨૦૧૪માં ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ રેટ ધરાવતો દેશ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે કૉર્પોરેટ ટેક્સ ઓછો કરીને ૨૨ ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવી સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે કૉર્પોરેટ ટેક્સ ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી હવે ભારત સૌથી વધુ ટેક્સ ધરાવતા દેશોને બદલે સૌથી ઓછો ટેક્સ ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. દરમાં ઘટાડો કરવાથી કંપનીઓ પાસે વધુ ભંડોળ બચશે – કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ રોકાણ કરવા માટે કરશે – જેને કારણે અર્થવ્યવસ્થામાં વધુ રોજગારીનું સર્જન થશે અને પરિણામે ઊંચો વિકાસદર તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ અને આવકમાં વધારો થશે.
ચીન અને અમેરિકાની રસાકસી બાદ વિશ્વ મુઝવણમાં છે ત્યારે આ ટેક્સ સંબધી નિર્ણયને કારણે ભારત રોકાણ માટે ઉત્તમ સ્થાન બની જશે. આ નિર્ણયો લેતા પહેલા સાર્વજનિક ક્ષેત્રની ૧૦ બેંકોનું વિલીનીકરણ કરી ૪ બેંક બનાવી. આમ કરવાથી દેશમાં બેંકોની સંખ્યા જે વર્ષ ૨૦૧૭માં ૨૭ હતી તે હવે ૧૨ થઇ છે. સરકાર બજારમાં પાંચ લાખ કરોડ રૂપિયાના લિક્વિડિટી ફંડ જાહેર કરવાના હેતુથી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જમા કરશે, જેનાથી સ્જીસ્ઈ તથા નાના વેપારીઓને પણ લાભ થશે. હાઉસિંગ સેક્ટરને પૂશ કરવા લેવાયેલા નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલ ૪૫ લાખ રૂપિયા સુધીના ઘર માટે લોનના વ્યાજમાં ૧.૫ લાખ સુધી છૂટ મળશે. અટકેલા એફોર્ડેબલ અને મધ્યમ વર્ગના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એક સ્પેશિયલ વિન્ડોથી મદદ કરવામાં આવશે, તેના માટે અલગ ભંડોળની વ્યવસ્થા થશે, જેમાં સરકાર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપશે.
કાંદાના વધેલા ભાવ અંગે તેમણે જણાવ્યું કે સંગ્રહ ખોરોને તેનો લાભ નથી મળતો તે અંગેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેમણે ઉમેર્યું હતું કે સારા વરસાદથી આગામી સમયમાં કૃષિ ક્ષેત્ર પણ દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા અસરકારક ફાળો આપશે. ખેડૂતોને પાક વિમા યોજના અને કિસાન પેન્શન યોજનાના લાભ આપવાની વાત પણ રૂપાલાએ કરી હતી.
આ પ્રસંગે ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત અધ્યક્ષા નયનાબેન પટેલ, ખેડાના પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.