સીએમ વિજય રુપાણીએ નોન કરપ્ટ સરકાર તરીકે પ્રસ્થાપિત થવાનું લક્ષ્ય રાખ્યું છે. સત્તા પર આવ્યા બાદ એ જ દિશામાં તેઓ સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો પણ નીચલા લેવલે વહીવટી તંત્ર ખાડે ગયું હોવાના અને અધિકારીઓ મંત્રીઓ ફાઇલો દબાવી રાખતા હોવાના અહેવાલો મળતા સીએમ રુપાણીએ હવે દર મહિનાની પહેલી કેબિનેટમાં તમામ મંત્રીઓને પેન્ડિંગ ફાઇલોનું લિસ્ટ આપવા અને કયા કારણોસર ફાઇલો પેન્ડિંગ રહી તે કારણો સહિત રજૂ કરવા ફરમાન કર્યુ છે.
સામાન્ય રીતે દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. જેમાં સીએમ રુપાણીના અધ્યક્ષ સ્થાને તમામ મંત્રીઓની બેઠક મળતી હોય છે. જયારે ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના સેક્રેટરીઓની બેઠક મળતી હોય છે. જેમાં રાજ્ય સરકારના નવા નિર્ણયો, નવી બાબતો પર ચર્ચા સહિત અલગ- અલગ વિસ્તારની જરુરિયાતો, વ્યવસ્થા અને આગામી કાર્યક્રમોના આયોજનો પર ચર્ચા થતી હોય છે. હવેથી તેમાં એક નવી બાબતનો ઉમેરો થશે. હવે સીએમ રુપાણી પોતે દર મહિનાની પહેલી કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓનો હિસાબ લેશે. કયા મંત્રીને ત્યાં કેટલી ફાઇલો પેન્ડિંગ છે? શા કારણે પેન્ડિંગ છે? કેટલા સમયમાં તેનો નિકાલ કરશે? વગેરે રિપોર્ટ મંત્રીઓએ સીએમને આપવો પડશે.
સીએમના ફરમાન સાથે જ મંત્રીઓ અને અધિકારીઓમાં હડકંપની સ્થિતિ છે. અત્યાર સુધી એવું બનતું હતુ કે કેટલાય અધિકારીઓ અથવા મંત્રીઓ ફાઇલો દબાવીને બેસી જતા હતા. આજ કારણે લોકોનાં કામો અટકી જતા હતા. હવે વહીવટી તંત્ર ખાડે ગયું હોવાના અહેવાલો રુપાણી પાસે પહોંચતા હવે તેમણે કડક વલણ અપનાવ્યું છે. સાથે જ તેમણે પેન્ડિંગ ફાઇલો રાખનાર અધિકારીઓ અને મંત્રીઓએ પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો આડકતરો ઇશારો કર્યો છે.