રાજયમાં મેઘરાજા આ વર્ષે તેમની કૃપા અવિરતપણે હજુ સુધી વરસાવી રહ્યા છે. આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને અન્ય પંથકોમાં મેઘરાજા જાણે મહેરબાન થયા હોય એ રીતે વરસ્યા હતા. ખાસ કરીને સુરત જિલ્લામાં બારડોલી, કચ્છના મુંદ્રા, અબડાસા, દાહોદના સંજેલી સહિતના પંથકોમાં ભારે વરસાદ નોંધાયો હતો. કચ્છના મુંદ્રામાં તો, માત્ર એક જ કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ભરાઇ ગયા હતા. તો, દાહોદના સંજેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ખેડા, આણંદ, નડિયાદ, સાબરકાંઠા, વાપી, અંકલેશ્વર, વલસાડ સહિતના પંથકોમાં પણ જોરદાર વરસાદ પડયો હતો. આમ, રાજયભરના ઘણાખરા પંથકોમાં સાર્વત્રિક વરસાદ આજે નોંધાતાં વાતાવરણ ઠંડકમય અને પાણી પાણીભર્યુ બની ગયુ હતુ. ભાવનગરના પાલિતાણાના દેડરડી ગામે વીજળી પડતાં એક યુવકના મોતની ઘટના નોંધાઇ હતી, જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. સુરત જિલ્લામાં આજે મેઘરાજાએ આજે જોરદાર જમાવટ કરી હતી. સમગ્ર દિવસ દરમ્યાન આજે સુરતના વરાછા, કાપોદ્રા, સરથાણ, કતાર ગામ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તો, સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, પલસાણા, મહુવા, માંડવી, કામરેજ સહિતના પંથકોમાં પણ જોરદાર વરસાદ નોંધાતાં સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા હતા. રોડ, રસ્તાઓ અને કોઝ-વે પાણીમાં જાણે ગરકાવ બન્યા હતા. દરમ્યાન કચ્છના મુંદ્રામાં એક કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબકતાં થોડી વાર માટે તો જાણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આસપાસના સમગ્ર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતો તો, કચ્છના અબડાસા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. દરમ્યાન મધ્ય ગુજરાતમાં પણ વડોદરા અને તેની આસપાસના પંથકોમાં ખાસ કરીને પાદરા શહેર, દાહોદ, સંજેલી સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર અને તોફાની વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દાહોદ, સંજેલી સહિતના પંથકોમાં ભારે વરસાદની વધુ અસર જોવા મળી હતી. બીજીબાજુ, ખેડાના નડિયાદમાં , આણંદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ ખાબકયો હતો. આણઁદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો, સૌરાષ્ટ્રના અમરેલી, દામનગર, જામનગરના ખંભાળિયા, ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા, ઉમેજ, પડા સહિતના પંથકોમાં પણ ભારે વરસાદી ઝાપટાં નોધાયા હતા. જેના કારણે અહીં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પ્રાંતિજ, અરવલ્લી સહિતના પંથકોમાં મેઘરાજાએ આજે ધમાકેદાર બેટીંગ કરી હતી. રાજયભરના ઘણાખરા પંથકો અને વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ ભારે વરસાદની ચેતાવણી અકબંધ રાખવામાં આવી છે. આગામી પાંચમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. પચંમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. તંત્ર દ્વારા ભારે વરસાદની ચેતાવણીને ધ્યાનમાં લઈને વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.