વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૪૦,૯૪૦ અકસ્માતોના ગુનાઓ નોંધાયા છે. આ અકસ્માતોમાં કુલ ૧૫,૪૨૫ લોકોના મોત થયા છે.
૮ માર્ચના રોજ વિધાનસભામાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક-૨૦૧૮ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિન સરકારી વિધેયક પરની ચર્ચામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ ૨.૩૦ કરોડ જેટલા વાહનો નોંધાયેલા છે. તેમાં પ્રતિ વર્ષ ૭ થી ૮ ટકાનો વધારો થઇ રહ્યો છે. રાજ્યની વસ્તીમાં છેલ્લા દસકામાં ૯૭ લાખનો વધારો થયો છે.
રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના કારણોના વિશ્લેષણના આધારે અકસ્માતના સંભવિત વિસ્તારો (બ્લેક સ્પોટ) આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કુલ ૮૩ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટેકનિકલ એરર દૂર કરી ત્યાં માર્ગ સલામતીના સઘન તકેદારીના પગલા લઇ ૬૩ જેટલા બ્લેક સ્પોટ ઠીક કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પોટ ઉપર અકસ્માતોની સંખ્યા ૬૮૩થી ઘટીને ૮૫ થઇ હતી. આમ અકસ્માતોની સંખ્યામાં ૫૯૮ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી અટકે તે માટે ટ્રાફિક નિયમન તંત્રને સુસજ્જ બનાવવા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં માર્ગ સુરક્ષા નિધિ માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માનદ વેતનથી ફરજો બજાવતા ટ્રાફિક બ્રિગેડનું મહેકમ ૭,૨૪૭ વધારીને ૧૦ હજાર કરવા તથા તેમાં ૩૩ ટકા લેખે મહિલા ટ્રાફિક બ્રિગેડની પણ માનદ વેતનથી સેવા લેવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડનું માનદ વેતન રૂ.૨૦૦થી વધારીને રૂ. ૩૦૦ કરવામાં આવશે. તેમજ વાહન હંકારનારાઓ ટ્રાફિક નિયમોનું સખ્તાઇથી પાલન કરે તે માટે વિવિધ પ્રકારે નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી વર્ષ ૨૦૧૩માં રૂ. ૫૦ કરોડ દંડ પેટે વસુલવામાં આવ્યા હતા. ૨૦૧૭માં રૂ. ૮૪ કરોડની દંડકીય વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોના ભંગના ૫૭,૧૬૮ ગુના નોધાયા હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.
આ સિવાય ગૃહમંત્રીએ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૬માં અકસ્માતોની સંખ્યા ૨૧,૮૫૯થી ઘટીને ૨૦૧૭માં ૧૯૦૮૧ થઇ છે. આમ અકસ્માતોની સંખ્યામાં ૨,૭૭૮ અકસ્માતનો ઘટાડો થયો છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૬માં મૃત્યુઆંક ૮,૧૩૬થી ઘટીને ૨૦૧૭માં ૭,૨૮૯ થઇ છે. આમ અકસ્માતમાં મૃત્યુ પામવાના કિસ્સામાં ૮૪૭નો ઘટાડો થયો છે.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસ એક્ટ-૧૯૫૧માં વાહનોથી થતાં અકસ્માતો અંગે પૂરતી જોગવાઇ હોવા ઉપરાંત જરૂર પડે વધારાની સત્તા સોંપવાની પણ જોગવાઇ હોવાનું તેમ જ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીને લગતું બિલ આ વિધાનસભા સત્રમાં જ પસાર કરવામાં આવ્યું હોવાથી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું વિધેયક-૨૦૧૮નું બિન સરકારી વિધેયક પરત લેવામાં આવ્યું હતું.