ભાવનગર જિલ્લો જાણે કે ઈગ્લીંશ દારૂના કટીંગનું હબ બની ગયુ હોય તેમ વાંરવાર ઈગ્લીંશ દારૂ ભરેલા કન્ટેનરો ઝડપાઈ છે. ભાવનગરમાં ઈગ્લીંશ દારૂ મળતો નથી તે વાત ખોટી હોવાની આ બનાવથી સાબીત થઈ જાય છે. વાંરવાર ઈગ્લીંશ દારૂના જથ્થા ઝડપાઈ રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રીના સ્ટેટ વીજીલન્સ ટીમે ઘોઘા તાલુકાના કુકડ ગામેથી હરીયાણા પાર્સીંગનું ઈગ્લીંશ દારૂ ભરેલું કેન્ટેનર ઝડપી લીધુ હતું. સાથે ચાર શખ્સોની ધરપકડ કરી ઘોઘા પોલીસ હવાલે કર્યા હતા. આ બનાવમાં વધુ ત્રણ નામો પણ ખુલતા કુલ ૭ શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામે ઈગ્લીંશ દારૂનું કટીંગ થવાનું હોવાની પૂર્વ બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સ ટીમ કુકડ ગામે પહોચી ગઈ હતી જ્યાં મોડી રાત્રીના રસ્તા પરથી કન્ટેનર નં.એચ.આર. ૫૫ ટી.૨૭૫૧ નીકળતા તેને ઉભુ રાખી તલાશી લેતા તેમાંથી ૬૬૦૨ નંગ ઈગ્લીંશ દારૂની બોટલો કિમત રૂપીયા ૨૪,૬૦,૯૦૦/- મળી આવતા પોલીસે ૫૫૦ પેટી ઈગ્લીંશ દારૂના જથ્થા સાથે જપ્ત કર્યુ હતું. કન્ટેનરમાંથી ઈગ્લીંશ દારૂના જથ્થા સાથે મેઘરાજ ઈસુભાઈ ગઢવી ઉ.વ.૩૧ રહે. સરદારનગર ભાવનગર., રણછોડભાઈ ધનાભાઈ વેગડ ઉ.વ.૪૦ રહે. માંડવા તા.તળાજા, મહમદરફી હાફીઝ રહેમાન પઠાણ ઉ.વ.૩૦ રહે. ભવાનીપુર યુ.પી. તથા આઝમ આરીફભાઈ પઠાણ ઉ.વ.૨૨ રહે. ભવાનીપુર યુ.પી. સહિત ચારેય શખ્સોની ધરપકડ કરી હતી.
સ્ટેટ વીજીલન્સ ટીમે ઝડપાયેલા ચારેય શખ્સોની પુછપરછ કરતા આ માલ ધીરૂભાઈ કંટાલા, નાગદાન ગઢવી અને કેતનસિંહ રવીન્દ્રસિંહ ગોહીલને આપવાનો હોવાનું જણાવતા સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના ચેતનકુમાર હિતેશભાઈ બારૈયાએ ઘોઘા પો.સ્ટે.માં સાતેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવી સોપી આપ્યા હતા. તમામ શખ્સો પાસેથી રૂપીયા ૨૪,૬૦,૯૦૦નો ઈગ્લીંશ દારૂ ટાટા કન્ટેનર રૂા.૧૦ લાખ, મોબાઈલ નંગ ૮ કી.રૂા.૧૪.૫૦૦, જીપીએસ ૧ કી.રૂા.૨ બજાર તથા રોકડ રૂપીયા ૧૭૬૮૦ મળી કુલ રૂપીયા ૩૪,૯૫,૦૮૦ના મુદ્દામાલ ઝડપી લીધો હતો. જાણવા મળ્યા મુજબ આ ઈગ્લીંશ દારૂનો જથ્થો હરીયાણાથી લાવી અલંગ પહોચાડવાનો હતો. તે પૂર્વે સ્ટેટ મોનીટરીંગ ટીમે ઝડપી લીધો હતો. આમ ભાવનગરમાં બહારના રાજ્યોમાંથી મસમોટો દારૂનો જથ્થો આવી રહ્યો હોય સ્થાનીક પોલીસ છુટક વેપારીઓને ઝડપી સંતોષ માનતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.