કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નારાદ સ્ટિંગ ટેપ મામલામાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી એસએમએચ મિર્ઝાને પકડી લીધા છે. આ મામલામાં મિર્ઝા પહેલા પણ સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થઇ ચુક્યા છે. હવે તપાસ સંસ્થા દ્વારા તેમની ધરપકડ કરી લેવામિાં આવી છે. એસએમએચ મિર્ઝા એ વખતે વર્ધમાન જિલ્લાના પોલીસ અધિકારી તરીકે હતા જ્યારે નારદ ન્યુઝ પોર્ટલના મેથ્યુ સેમ્યુઅલે સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસમાં સીબીઆઈને પ્રાથમિક તપાસ પુરી થયા બાદ ટીએમસીના તત્કાલિન રાજ્યસભા સાંસદ મુકુલ રોય, લોકસભા સાંસદ સૌગત રોય અને પૂર્વ ધારાસભ્ય મદન મિત્રા જેવા બંગાળની રાજનીતિના મોટા નામો પર અપરાધિક કાવતરા રચવા અને ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મુકુલ રોય હવે ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. નારદ ટેપ મામલામાં તૃણમુલ કોંગ્રેસના અનેક નેતાઓ અને આઈપીએસ અધિકારીઓને એક સ્ટિંગ ઓપરેશનમાં કારોબારીને લાભ પહોંચાડવાના બદલામાં તેમની પાસેથી રૂપિયા લેતા દર્શાવવામાં આવ્યા હતા. આ સ્ટિંગ ઓપરેશન ૨૦૦૪માં કરવામાં આવ્યું હતું. સ્ટિંગ વિડિયો ફુટેજ ૨૦૧૬માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ન્યુઝ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા જેના કારણે રાજ્યની રાજનીતિમાં તોફાનની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ મામલાની તપાસ પોતાના હાથમાં લઇને સીબીઆઈ દ્વારા તૃણમુલના ટોચના ૧૨ નેતાઓ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જેમાં સાંસદ અને પશ્ચિમ બંગાળના મંત્રી તેમજ મિર્ઝા સામેલ છે. નારદ સ્ટિંગ ઓપરેશનના કારણે બંગાળની રાજનીતિમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અનેક મોટા માથાઓના નામ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો હતો.