મધ્યસ્થ જેલમાં મોબાઇલની બાતમી આપ્યાના વ્હેમમાં કાચા કામના કેદી પર હુમલો

385

રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત ગણાતા મોબાઇલ ફોન છાશવારે મળી આવતા જેલ સિકયુરિટી સામે પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે ત્યાં વળી કેદી પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાના કડોદાર જીઆઇડીસી પોલીસ મથકના ઘાડલુંટના ગુનામાં ઝડપાયેલો વેદપ્રકાશ જગમોહનિસંગ કુસ્વાહ (ઉ.વ. ૨૪ રહે. ઠાકોર કોમ્પ્લેક્ષ, વરેલીગામ) માર્ચ ૨૦૧૮ થી કાચા કામના કેદી તરીકે કેદ છે.

સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં વેદપ્રકાશ જેલના યાર્ડ નંબર એ-૮ પોતાની બેરેક નંબર ૬ માં હતો ત્યારે બેરેકના અન્ય કેદી કૈલાસ ઉર્ફે કેલ્યાએ વેદપ્રકાશને કહ્યું હતું કે જડતી સ્કોર્ડના માણસોને મારી પાસે મોબાઇલ ફોન હોવાની બાતમી આપી મને પકડાવી દીધેલ છે અને તું કેમ જેલમાં બધાની બાતમી આપે છે એમ કહી ઝધડો કર્યો હતો. અપશબ્દો ઉચ્ચારી ઢીકમુક્કીનો માર માર્યો હતો અને હવે જો બાતમી આપશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

પોતાની પર હુમલો થતા વેદપ્રકાશે બુમાબુમ કરતા જેલના સિપાહીઓ દોડી આવ્યા હતા અને વેદપ્રકાશને સાથી કેદીઓના મારથી બચાવ્યો હતો. આ ઘટના અંગે વેદપ્રકાશે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleસેંસેક્સ ૩૯૬ પોઇન્ટ સુધરી ૩૮૯૮૯ની ઉંચી સપાટીએ
Next articleગાંધી જયંતિથી ૩૧ ડિસેમ્બર સુધી ખાદીના છૂટક વેચાણ પર ૨૦ ટકા વળતર અપાશે