રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલા અમી પાર્કમાં સવારે સ્થાનિક લોકોએ મનપાની મદદથી વૃક્ષો વાવ્યા હતા. પરંતુ બપોરે બિલ્ડરે પોતાના પ્લોટ આગળ સરકારી જમીનમાં રોડની બાજુમાં વાવેલા વૃક્ષો પાંજરા સાથે ઉખેડી નાંખ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોએ બિલ્ડર સાથે ઉગ્ર બોલાચાલી કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઇએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.
વીડિયોમાં રોષે ભરાયેલી એક સ્થાનિક મહિલાએ રોષ વ્યક્ત કરતા બિલ્ડરને કહ્યું હતું કે, તમારા પ્લોટમાં ક્યાં વૃક્ષો વાવ્યા છે. તમારી હદમાં વૃક્ષો વાવ્યા નથઈ તો શું કામ કાઢી નાંખો છો. ત્યારે બિલ્ડરે દાદાગીરી સાથે કહ્યું હતું કે, મારૂ નામ લખી લે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર. મહિલાએ કહ્યું કે છાયડો થાય તો તમને શું વાંધો છે અને તમારો બંગલો બને ત્યારે અમારે ખર્ચે વૃક્ષો કઢાવી નાંખીશુ સવારે તો વાવ્યા છે. ત્યારે બિલ્ડરે કહ્યું હતું કે, વૃક્ષો કઢાવવામાં અમને પછી કેટલા ધક્કા થાય છે. તો મહિલાએ જણાવ્યું હતું કે, અમે તો તમારી હદમાં વૃક્ષો વાવ્યા છે. મહિલાની રજૂઆત છતાં બિલ્ડર માન્યો નહીં અને વૃક્ષોને પીંજરા સાથે ઉખેડી નાંખ્યા હતા.