ગુજરાતમાં મોનસુન હજુ પણ જોરદારરીતે સક્રિય છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર સ્થિત છે જેથી ભારે વરસાદ થઇ રહ્યો છે. સાર્વત્રિક વરસાદના લીધે વરસાદનો આંકડો પણ રાજ્યમાં અવિરતપણે વધી રહ્યો છે. ઉંમરપાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. ભાદરવો મહિનો કયારનોય શરૂ થઇ ગયો હોવાછતાં આ વર્ષે હજુ મેઘરાજાએ તેમની અવિરત કૃપા વરસાવવાનું ચાલુ રાખ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ છે, જેને લઇ ચોમાસાનો માહોલ જાણે યથાવત્ હોય તેવો માહોલ બન્યો છે. આજે ખાસ કરીને રાજકોટ, ગોંડલ, જેતપુર, લોધિકા, મેટોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આજે દક્ષિણ ગુજરાતના ૨૨ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની સાથે સુરતના સરથાણા વિસ્તારમાં વીજળી પડી હતી. જેના કારણે લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે લોધિકા, મેટોડા, પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લોધિકામાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ખીરસરામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજીબાજુ, રાતૈયા, વાજડી સહિતના ગામોમાં સારો એવો વરસાદ ખાબકયો હતો. તો, આજે સુરતના બારડોલી, મહુવા, માંડવી, પલસાણા સહિતના પંથકોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સાથે સાથે નવસારી, વાપી, વાસંદા, ચીખલી સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળતા હતા. બીજીબાજુ, ડાંગ જિલ્લામાં, સાપુતારા, આહવાના બજારોમાં ભારે વરસાદને લઇ વરસાદી પાણી ફરી વળ્યા હતા. દરમ્યાન જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નિકાવા, આણંઁદપર, નગર પીપરીયા, છાપરા સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબકયો હતો. જેને લઇને આ પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગીર-સોમનાથ, સૂત્રાપાડા, પ્રભાસપાટણ સહિતના પંથકોમાં પણ આજે હળવાથી ભારે વરસાદના ઝાપટાં વરસતાં ચોમાસાનો માહોલ જામ્યો હતો. પોરબંદર અને તેની આસપાસના પંથકોમાં પણ આજે મેઘરાજાએ મહેર વરસાવી હતી. તો, ભારે ઉકળાટ બાદ પાટણ, રાધનપુર, સમી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં લોકોએ ભારે રાહત અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના ભચાઉ સહિતના પંથકોમાં પણ આજે સતત બીજા દિવસે સારો એવો વરસાદ પડયો હતો. સોમનાથ, પોરબંદર, સુત્રપાડા, કાલાવાડ, ખંભાળિયામાં ભારે વરસાદ થયો છે. અમરેલી પંથકમાં પણ વરસાદ થયો છે. રાજકોટ, જેતપુર, બોડેલી, પ્રભાસપાટણ, ડિસા, થરાદમાં પણ વરસાદ થયો છે. દ્વારકામાં પણ વરસાદ થયો છે.