બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર,જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બોટાદ તથા પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ પરિવાર રાણપુરના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક તથા માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનું ત્રણ દિવસીય પ્રદર્શન યોજાયું હતું. જેનો શુભારંભ બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ કરાવ્યો હતો.
આ પ્રદર્શનનું શુભારંભ કરાવતા જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ ઉપસ્થિત તમામ કૃતિકારોને પોતાના કાર્યમાં સફળ બનવા માટે શુભેચ્છા પાઠવી પ્રદર્શનમાં રહેલી કૃત્તિઓને નિહાળી સુંદર કાર્ય બદલ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધનમાં જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંઘ સાંદુએ જણાવ્યું હતું કે, શિક્ષણ કાર્યમાં ગુણવત્તા આવે તે માટે શિક્ષકો વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ મહેનત કરતા હોઈ છે અને આ મહેનત થકી વિદ્યાર્થીઓના જુદા જુદા કૌશલ્યનો વિકાસ થાય છે. જે આજે આ પ્રદર્શન દ્વારા આપણે જાણી શકીએ છીએ. ડો.વિક્રમ સારાભાઈના જીવન અને કવન વિશે ટુંકી માહિતી આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માહિતગાર કર્યા હતા તેમજ સૌ લોકોને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિંમતભાઈ કટારીયાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ કૃત્તિઓ માટે તેમનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સ્વાગતવિધિ ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હીરેન ભટ્ટ તેમજ આભારવિધિ રાણપુર ટીપીઓ પ્રવિણસિંહ મોરીએ કરી હતી.આ પ્રદર્શનમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંશોધન વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયન અને ગાણિતિક નમુના નિર્માણ વિષય અંતર્ગત અંદાજિત કુલ -૩૬ જેટલી કૃત્તિઓ રજુ કરવામાં આવી હતી. તારીખ ૨૫ સપ્ટેમ્બર થી શરૂ થયેલું આ પ્રદર્શન તારીખ ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલશે.આ કાર્યક્રમમાં રાણપુર મામલતદાર તમન્ના ઝાલોડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત સદસ્ય કનકબેન સાપરા, શિક્ષણ સમિતિના પ્રતિનિધિ હરજીભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન રમેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, જી.સી.ઈ.આર.ટી.ના આગેવાનો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, સરપંચ, પ્રતાપભાઈ સહિતના આગેવાનો તથા આચાર્ય,શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.