મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના આચાર્ય તખ્તસિંહજી પરમાર મુખ્ય મંચ ખાતે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ૨૯માં આંતરકોલેજ યુવક મહોત્સવ રંગમોહન ૨૦૧૯ નું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે મહારાજાના ત્યાગ, તપસ્યા અને પ્રજા વાત્સલ્ય તેમજ ગાંધીજીની વૈષ્ણવજનની વિચારધારા ભૂતકાળ વર્તમાન તેમજ ભવિષ્યકાળ એમ દરેક કાળમાં પ્રસ્તુત તેમજ યોગ્ય છે. શિક્ષકો પણ સમાજના ઘડતર માટે આ મહાનુભાવોની વિચારધારા અપનાવે તેવી સૌને અપેક્ષા છે. આ વિચારધારાને ઘર ઘર સુધી લઈ જવા રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ ‘ગાંધી ૧૫૦’ ની ધામધૂમથી ઉજવણી કરવા જઈ રહી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિભાઓ દરેક કોલેજ, દરેક વર્ગખંડ તેમજ ઘરે ઘરે ઉપસ્થિત છે બસ તેમને જરૂર છે એક યોગ્ય પ્લેટફોર્મ ની. આવા યુવક મહોત્સવ જેવા આયોજનો યુવાનોને પોતાની પ્રતિભાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સાબિત કરવાની તક પૂરી પાડે છે. આ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ હરહંમેશ યુવાનોની સાથે છે.
આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે સૌ નાત જાત તેમજ ધર્મના ભેદભાવ ભુલાવી શહેર, રાજ્ય તેમજ રાષ્ટ્રને આગળ લઈ જઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કિર્તીદાનભાઈ ગઢવીએ ‘લાડકી’ તેમજ અભેસિંહ રાઠોડે ‘મન મોર બની થનગાટ કરે’ ગીત રજુ કરી સંગીત મય વાતાવરણ ઉભુ કર્યું હતું જ્યારે માયાભાઈ આહીર તેમજ ધીરુભાઈ સરવૈયાએ જોક્સ અને સાંસ્કૃતિક વાતોથી ડાયરા જેવી જમાવટ ઉભી કરી હતી.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ હિમા દાસ, રાનુ મંડલ વગેરેના ઉદાહરણ આપી જણાવ્યું હતું કે પ્રતિભાને યોગ્ય મંચ તથા પારખું ગુરુની જરૂર હોય છે. યુવક મહોત્સવનું માધ્યમ એ આ તમામ ગરજ સારે છે. આવનારા વર્ષોમાં આમાંથી જ કોઈ સ્પર્ધક કલાકાર ભવિષ્યમાં આ સ્ટેજ પર મુખ્ય અતિથિ હોય તો નવાઈ ની વાત નહીં કહેવાય.
આ કાર્યક્રમમાં કવિ ત્રાપજકરના પરિવારજનો, ગુરૂજી શ્રીતખ્તસિંહજી પરમારના પરિવારજનો, યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલ, ડેપ્યુટી રજીસ્ટ્રાર કૌશિકભાઈ જાની, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં યુવક મહોત્સવમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ કુલ સચિવ કૌશિકભાઈ ભટ્ટે કરી હતી.