જોર્ગેસનને હરાવી કશ્યપ કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો

739

ભારતીય શટલર પારૂપલ્લી કશ્યપ શુક્રવારે કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગયો હતો. તેણે મેન્સ સિંગલ્સની ક્વાર્ટરફાઇનલમાં ડેનમાર્કના જાન ઓ જોર્ગેસનને ૨૪-૨૨, ૨૧-૮થી હરાવ્યો હતો. ૩૩ વર્ષિએ કશ્યપે આ મુકાબલો ૩૭ મિનિટમાં જીત્યો હતો. સેમિફાઇનલમાં કશ્યપનો સામનો વર્લ્ડ નંબર ૧ અને બે વખત ચેમ્પિયન રહી ચૂકેલ કેંતો મોમોતા સામે શનિવારે થશે.કશ્યપ આ સીઝનમાં બીજી વાર સેમિફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલા તે ઇન્ડિયા ઓપન સુપર ટૂર્નામેન્ટના અંતિમ ચારમાં પહોંચ્યો હતો.

જોર્ગેસન વિરુદ્ધ કશ્યપ છેલ્લે ડેનમાર્ક ઓપનમાં પાંચ વર્ષ પહેલા રમ્યો હતો. બંને વચ્ચે આ સાતમી મેચ હતી.

કશ્યપે આ સાતમાંથી પાંચ મેચ પોતાના નામે કરી છે. કશ્યપે પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. તેણે તે મુકાબલો ૨૧-૧૭, ૧૧-૨૧, ૨૧-૧૨થી ૫૬ મિનિટમાં જીતી લીધો હતો.

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૪માં ગોલ્ડ મેડલ જીતનાર કશ્યપ આ ટૂર્નામેન્ટમાં ભારતની મેડલ માટેની એકમાત્ર આશા છે. તેની પહેલા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ અને સાઈના નહેવાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા હતા. સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને ૭-૨૧, ૨૪-૨૨, ૨૧-૧૫થી હરાવી હતી. બીજી તરફ નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ ૨૧-૧૯થી જીત્યા બાદ બીજી ગેમ ૧૮-૨૧થી હારી ગઈ હતી.

Previous articleહરમનપ્રીત, સ્મૃતિ મંધાના અને જેમિમાહ મહિલા બિગ બેશ લીગમાં નહીં રમે
Next articleયુવીએ બીસીસીઆઈ પર ગુસ્સો ઠાલવ્યો, ’મને કાઢવાના બહાના શોધતા હતા’