પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજીનો દૌર અટકવાનું નામ લઇ રહ્યો નથી. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ એશિયાઇ બજારમાં આવેલી તેજીની અસર ઘરેલૂ બજારમાં જોવા મળી રહી છે. ગુરૂવારે સવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ ૮૦ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો હતો.
દિલ્હીમાં ગુરૂવારે સવારે પેટ્રોલ ૧૫ પૈસા પ્રતિ લીટરની તેજી સાથે ૭૪.૩૪ રૂપિયે લીટર થઇ ગયું છે. આ ઉપરાંત ડીઝલ ૧૦ પૈસા વધીને ૬૭.૨૪ રૂપિયે લીટર થઇ ગયું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ક્રમશઃ ૭૭.૦૩ રૂપિયા, ૮૦.૦૦ રૂપિયા અને ૭૭.૨૯ રૂપિયાના સ્તર પર પહોંચી છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ ક્રમશઃ ૬૯.૬૬ રૂપિયા, ૭૦.૫૫ રૂપિયા અને અને ૭૧.૧૦ રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. જાણકારોનું કહેવું છે કે અત્યારે ક્રૂડના ભાવમાં સ્થિરતાનો માહોલ છે.
ગત ૧૦ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરથી વધુની તેજી નોંધાઇ હતી અને ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘું થયું છે. શુક્રવારે સવારે બ્રેંટ ક્રૂડ ૬૧.૨૨ ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ ૫૬.૧૬ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.