પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.
બાપુનગરમાં આવેલા શ્યામશિખર એપાર્ટમેન્ટ પાસેથી અંદાજે ત્રણ વર્ષનો અવિચલ પંચાલ નામનો છોકરો મળી આવ્યો હતો. બાપુનગર બ્રિજ નીચે સવારે ૮ વાગ્યે બાપુનગર પોલીસને પરિવારથી વિખૂટા પડેલો આ છોકરો ક્રોસ કરતા અને રડતો દેખાયો હતો. જેથી પોલીસ તેની પાસે જઈ પૂછ્યું હતું, જો કે તે કશું બોલ્યો ન હતો. જેથી પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યાર બાદ મહિલા પોલીસે તેને ખોળામાં બેસાડ્યો અને ચોકલેટ અને બિસ્કીટ ખવડાવ્યા હતા. આ દરમિયાન તે રમવા લાગ્યો અને સમગ્ર પોલીસ સ્ટેશન પણ બાળક સાથે બાળક બની ગયું હતું.
ઈન્ડિયા કોલોનીની સુરજીત સોસાયટીમાં રહેતા ભરતભાઈ પંચાલનો પૌત્ર અવિચલ પંચાલ ઘરમાં રમતા રમતા બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ ઘરના સભ્યોને અવિચલ ઘરમાં ના મળતા દાદાની સાથે ગયો હશે તેવુ માની લીધું હતું. પરંતુ ભરતભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે અવિચલ સાથે ન હોવાથી પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને થોડા સમયમાં જ બાપુનગર પોલીસ બાજુની સોસાયટીમાં અવિચલના ફોટો સાથે બાળક અંગે પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને અવિચલના દાદા મળી આવ્યા હતા અને તેને પૌત્રને સોંપી દીધો હતો.